Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

મહારાષ્ટ્ર: પોલીસકર્મીને માર મારવાના મામલે પ્રધાન યશોમતિ ઠાકુરને ત્રણ મહિનાની જેલ

આઠ વર્ષ જુના કેસમાં પ્રધાનના ડ્રાઇવર સહિત અન્ય ત્રણ લોકોને દોષી ઠેરવ્યા

મુંબઇ: સ્થાનિક કોર્ટે પોલીસ કર્મચારીને માર મારવાના આઠ વર્ષ જુના કેસમાં મહારાષ્ટ્રના પ્રધાન યશોમતિ ઠાકુરને ત્રણ મહિનાની કેદ અને 15,500 રૂપિયા દંડની સજા સંભળાવી છે. જિલ્લા અને સેશન્સ કોર્ટે ગુરુવારે આ કેસમાં મહિલા અને બાળ વિકાસ પ્રધાનના ડ્રાઇવર સહિત અન્ય ત્રણ લોકોને દોષી ઠેરવ્યા અને ત્રણ મહિનાની સખત કેદની સજા ફટકારી છે.

ન્યાયાધીશ ઉર્મિલા જોશીએ પણ પ્રત્યેકને રૂપિયા 15,500નો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે, કોંગ્રેસના નેતા યશોમતિ ઠાકુર અને અન્ય ત્રણ લોકો દ્વારા જો દંડ નહીં ભરવામાં આવે તો તેઓને એક મહિનાની વધારાની સજા ભોગવવી પડશે. ન્યાયાધીશ જોશીએ પ્રધાન યશોમતિ ઠાકુર, તેના ડ્રાઇવર અને બે કામદારોને વન-વે લેન પર વાહન રોકવા બદલ પોલીસકર્મીને માર મારવાનો દોષી ઠેરવ્યો હતો.

ફરિયાદ મુજબ, આ ઘટના અમરાવતી જિલ્લાના રાજાપેઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ચુનાભટ્ટી વિસ્તારમાં 24 માર્ચ, 2012 ના રોજ સાંજના ચાર વાગ્યે બની હતી.

(11:40 am IST)