Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ચીનને વધુ એક તમાચો

ટીવી - ટાયર્સ બાદ હવે એસીની આયાત ઉપર પ્રતિબંધ

નવી દિલ્હી તા. ૧૬ : ચીન ઉપર ભારતે પ્રહારો ચાલુ રાખ્યા છે. ટેલીવિઝન સેટ અને ટાયર્સ બાદ હવે સરકારે એસીની આયાત ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. ગઇકાલે સરકારે તાત્કાલિક અસરથી આ અંગેનું નોટીફિકેશન બહાર પાડયું હતું. સરકારે આ પગલું ઘરઆંગણાની કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે લીધું છે.

વિદેશ વ્યાપાર મંત્રાલય દ્વારા જણાવાયું છે કે, ફ્રીજ સાથે એસીની આયાતને લઇને નીતિ બદલાવામાં આવી છે. જે હેઠળ તેને મુકત શ્રેણીથી હટાવીને પ્રતિબંધાત્મક યાદીમાં મુકી દેવામાં આવેલ છે. આ સાથે જ એસી, ટાયર, ટીવી અને અગરબત્તી જેવી પ્રોડકટની યાદીમાં સામિલ થયા છે કે જેની આયાત પર પ્રતિબંધ છે.

સરકારના આ પગલાથી ચીનના વેપારીઓને મોટો ફટકો પડશે. અત્રે એ નોંધનીય છે કે દેશમાં એસીનું બજાર ૪૦ હજાર કરોડ રૂપિયાનું છે. ભારત પોતાની એસીની જરૂરીયાતના લગભગ ૨૮ ટકા આયાત ચીનથી કરે છે અનેક કેસમાં તો એસીના ૮૦ થી ૮૫ ટકા સાધનો ચીનથી આયાત કરવામાં આવે છે.

સરકારે જુલાઇમાં ટીવીની આયાત પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

(11:38 am IST)