Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કંડલા પોર્ટ ટ્રસ્ટના પ્રથમ ડેપ્યુટી ચેરમેન મોહીલઅલીનું કોરોનાથી હૈદ્રાબાદમાં નિધન

ભુજ, તા. ૧૬ : કંડલા (દીનદયાળ) પોર્ટ ટ્રસ્ટના પ્રથમ ડેપ્યુટી ચેરમેન અને ૧૯૮૧થી ૧૯૮૬ દરમિયાન કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન શ્રી મોહીબઅલીનું કોરોનાને લીધે તા. ૮-૧૦-ર૦ના હૈદરાબાદ ખાતે મૃત્યુ થયેલ છે.

તેઓ ઇન્ડિયન રેવેન્યુ સર્વિસ (કસ્ટમ), ૧૯૬૮ના વર્ષની બેચના અધિકારી હતાં અને હૈદરાબાદ ખાતે કસ્ટમના ચીફ કમિશ્નર તરીકે નિવૃત્ત થયેલા. કંડલા પોર્ટ ટ્રસ્ટમાં તેમનું યોગદાન ઘણું જ મહત્વનું હતું. સત્તાની રૂએ તેમના માથે આવેલી જવાબદારીનું ઝીણવટભર્યું અને અસાધારણ પાલન કરતા. તેમની પ્રમાણિકતા, શિસ્ત અને સાહસિક વૃત્તિ જાણીતી હતી. જૂના વખતના તેમની સાથે, તેમની નીચે, કામ કરનારા લોકો હજી જાણે છે કે ઘણી વખત રાત્રીના સમયે કંડલા-ખારી રોહર વચ્ચેની પાઇપ લાઇનનંુ નિરીક્ષણ કરવા જતા અને અસામાજિક તત્વો આ પાઇપ લાઇનમાં ગાબડુ પાડી તેલ ચોરી કરતા તેની જાત માહિતી મેળવતા. તેઓ પોતે રમત-ગરમતના સારા ખેલાડી હતાં તેમજ થિયેટરના અભિનેતા અને નિર્દેશક પણ હતા. તેમના પ્રમાણિક પ્રેરકબળવાળા સ્વભાવને કારણે ભારત સરકારે તેમને મહેસુલ ખાતાના નિયામકનો હોદો સોંપેલ હતો. તેમને મુંબઇમાં અધિક વ્યવસ્થાપક તરીકે મહેસુલ ખાતાના મુખ્ય અધિકારી તરીકે પણ ફરજ બજાવેલ. મુંબઇમાં તેમની ડાયરેકટર જનરલ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ તરીકેની કામગીરી દરમિયાન દાણચોરી અને કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ડી.આર.આઇ. (ડાયરેકટર જનરલ રેવેન્યુ ઇન્ટેલિજન્સ) મુંબઇ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

સદ્ગત તેમની પાછળ તેમની પત્ની, એક દિકરો (જે લંડનમાં બેન્કર છે), એક પુત્રી (જે. એમ.એન.સી.માં સીનિયર વહીવટકર્તા છે) અને જમાઇ (જે કસ્ટમમાં કમિશ્નર છે) તેમને વિલાપ કરતા મૂકી ગયા છે.

(11:19 am IST)