Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

રાજકોટમાં કોરોના ધીમે ધીમે ગાયબ ?

આજે માત્ર ૫ મોત : બપોર સુધીમાં નવા ૩૧ કેસ

અત્યાર સુધીમાં ૨.૯૦ લાખ લોકોનાં ટેસ્ટીંગમાં કુલ ૭૬૦૩ સંક્રમિત થયાઃ કુલ ૬૫૮૦ દર્દીઓએ કોરોનાને હરાવતા રિકવરી રેટ ૮૬.૮૯ ટકા થયો : કોરોનાની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખાલી બેડની સંખ્યામાં વધારોઃ આજે ૧૭૭૪ બેડ ખાલી : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ થઇ હતી : નવા ૮ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર : હાલમાં ૫૫ ઝોન કાર્યરત

રાજકોટ, તા. ૧૬: સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો રહ્યો છે ત્યારે તેમાંં રાજકોટ પણ બાકાત નથી  પરંતુ શહેર-જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી મૃત્યુ કેસની સંખયામાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં ૫ મોત થયા છે. શહેરમાં આજ બપોર સુધીમાં નવા ૩૧ કેસ નોંધાયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ કોવીડ-નોન કોવીડ થી તા.૧૫નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૬ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૫  દર્દીનાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૯ પૈકી એક મૃત્યુ જાહેર કરવામાં આવતા લોકોમાં ભારે અસમંજસતા ફેલાઇ રહી છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  છેલ્લા સપ્તાહમાં ખાલી બેડની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે ૧૭૭૫ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉંંમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યાઓ અને મૃત્યુમાં  ઘટાડો જોવા મળી રહ્યો છે.

નવા ૩૧ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭૬૦૩  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૬૫૮૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૬.૮૮ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૮૬૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૯૪ ટકા થયો  હતો. જયારે ૯૬  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચથી આજ દિન સુધીમાં ૨,૯૦,૫૦૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૭૬૦૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૦  ટકા થયો છે.

નવા ૮ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇમાલની સ્થિતિએ  શુભ ટાવર-યુનિવર્સિટી રોડ, રાજ નગર - નાના મૌવા રોડ, આશાપુરાનગર - ભકિતનગર, રેફયુજી કોલોની, ગોકુલ નગર - સંતકબીર રોડ, જસાણી પાર્ક - એરપોર્ટ રોડ, ગુરૂદેવ પાર્ક - કુવાડવા રોડ, તક્ષશિલા સોસાયટી- ફુલછાબ ચોક સહિતના નવા ૮ વિસ્તારો  માં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જાયરે હાલમાં ૫૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૩૯ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૮ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૩૯,૬૮૭ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર  ૮  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે પરસાણા, અર્પણ પાર્ક, રણછોડનગર, વિજય પલોટ, ગંગા મૈયા, જાગનાથ પ્લોટ, દેવનગર, દેવ નગર, નવલ નગર, સમ્રાટ વિસ્તાર, સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૪૮૧  લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:53 pm IST)