Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

૨૦૧૮-૧૯માં ઉદ્યોગ ગૃહોએ આપ્યું રૂ.૮૭૬ કરોડનું દાનઃ ભાજપને મળ્યા સૌથી વધુ પૈસા

ભાજપને ૬૯૮ કરોડ તો કોંગ્રેસને માત્ર ૧૨૨.૫ કરોડ

નવી દિલ્હી, તા.૧૬: કોર્પોરેટ જૂથોએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના વિવિધ રાષ્ટ્રીય રાજકીય પક્ષોને રૂ. ૮૭૬ કરોડનું દાન આપ્યું હતું, જેમાંથી સૌથી વધુ લગભગ ૮૦ ટકા જેટલું રૂ. ૬૯૮ કરોડનું દાન ભાજપને મળ્યું હતું તેમ પોલ રાઈટ્સ ગૂ્રપ એડીઆર (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ)ના ગુરૂવારે જાહેર થયેલા એક અહેવાલમાં જણાવાયું હતું. કોર્પોરેટ જૂથોએ બીજા ક્રમે કોંગ્રેસને રૂ. ૧૨૨ કરોડનું દાન આપ્યું છે.

ચૂંટણી પંચ સમક્ષ બધા જ રાજકીય પક્ષોએ એક નાણાકીય વર્ષમાં રૂ. ૨૦,૦૦૦થી વધુના દાન અને દાતાઓ અંગેની વિગતો જાહેર કરવી પડે છે. આ વિગતોના અભ્યાસ પરથી એડીઆરે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ટોચના પાંચ રાજકીય પક્ષોને કોર્પોરેટ જૂથોએ આપેલા દાનની વિગતો ગુરૂવારે જાહેર કરી છે.

કોર્પોરેટ જૂથોએ નાણાકીય વર્ષમાં દેશના ટોચના પાંચ રાજકીય પક્ષોને કુલ રૂ. ૮૭૬.૧૦ કરોડનું દાન આપ્યું છે, જે આ પક્ષોને મળલા કુલ દાનના ૯૨ ટકા છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભાજપને ૧,૫૭૩ કોર્પોરેટ દાતાઓ તરફથી રૂ. ૬૯૮.૦૮૨ કરોડનું દાન મળ્યું હતું ત્યારે કોંગ્રેસને ૧૨૨ કોર્પોરેટ દાતાઓ તરફથી રૂ. ૧૨૨.૫ કરોડનું દાન મળ્યું હતું.

એનસીપીને ૧૭ કોર્પોરેટ દાતાઓ તરફથી રૂ. ૧૧.૩૪૫ કરોડનું દાન મળ્યું હતું. એડીઆરના રિપોર્ટમાં જણાવાયું છે કે પાંચ રાજકીય પક્ષોને મળેલા કુલ રૂ. ૮૭૬.૧૦ કરોડમાંથી ૨૦.૫૪ કરોડનું દાન અસંગત કેટેગરીમાં આવે છે. આ દાન કરનાર દાતા કંપનીઓની ઓનલાઈન પર કોઈ વિગતો ઉપલબ્ધ નથી અથવા તેઓ શું કામ કરે છે તે પણ સ્પષ્ટ નથી.

ઉપરાંત પક્ષોને રૂ. ૩૧.૪૨ કરોડનું દાન એવી કંપનીઓ તરફથી મળ્યું છે, જેમણે તેમના સરનામાની વિગતો નથી આપી. રાષ્ટ્રીય પક્ષોએ ૩૪ દાતા કંપનીઓ પાસેથી રૂ. ૧૩.૫૭ કરોડનું દાન મેળવ્યું છે, જેમણે તેમના પાન નંબરની વિગતો નથી આપી.  આ દાનમાંથી ૯૯.૭૫ ટકા એટલે કે ૧૩.૩૩ કરોડનું દાન ભાજપને મળ્યું છે, જેમણે તેમના પાન નંબર તેમજ સરનામાની વિગતો આપી નથી. એડીઆરે તેના રિપોર્ટમાં ભલામણ કરી છે કે રાજકીય પક્ષોને એક વર્ષમાં લદ્યુત્તમ રૂ. ૨૦,૦૦૦થી વધુનું દાન કરનારા દાતાઓએ તેમના પાન નંબરની વિગતો જાહેર કરવી જોઈએ.

દાનની સંપૂર્ણ વિગતો અપાઈ ન હોય તેવા દાન ચૂંટણી પંચે દાતાઓને પરત આપી દેવા રાજકીય પક્ષોને નિર્દેશો આપવા જોઈએ. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે રાજકીય ધિરાણમાં પારદર્શિતા લાવવા માટે કંપનીઓએ તેમણે આપેલા દાનની વિગતો તેમની વેબસાઈટ્સ પર જાહેર કરવી જોઈએ. રાષ્ટ્રીય, પ્રાદેશિક સહિતના રાજકીય પક્ષોને મળતા દાનની વિગતોની વાર્ષિક ચકાસણી કરવા માટે સીબીડીટીએ અલગથી એક વિભાગ ફાળવવો જોઈએ.

(10:24 am IST)