Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ઉજ્જૈનઃઝેરી શરાબ પીવાથી ૧૧ લોકોના મોત

શહેરના ખારા કુવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ૪ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

ઉજ્જૈન,તા.૧૬: મધ્યપ્રદેશના ઉજ્જૈનથી મોટી દુર્ઘટના સામે આવી છે. ઝેરી શરાબ પીવાથી ૧૧ લોકોના મોત થતા હાહાકર મચી ગયો છે. તો, ઉજ્જૈનના એસપીએ પુષ્ટી કરી છે કે, તમામ મૃતકોના શરીરમાં ઝેરી જિંજર મળી આવ્યું છે. આ ઘટના બાદ શહેરના ખારા કુંવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ૪ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, પુરા જિલ્લામાં ગેરકાયદે શરાબ વેચવાના મામલામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોની દરપકડ પણ કરવામાં આવી છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ મામલાને ગંભીરતાથી લઈ ગુરૂવારે આ દ્યટનાની એસઆઈટી દ્વારા તપાસના આદેશ આપ્યા છે. ચૌહાણે કહ્યું કે, માત્ર ઉજ્જૈન જ નહીં પરંતુ પુરા પ્રદેશમાં આ પ્રકારના મામલા પર નજર રાખવામાં આવે. જયાં પણ આ પ્રકારની બનાવટી અને ઝેરી પદાર્થનું વેચાણ થવાની આશંકા હોય ત્યાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે આ દ્યટનાને લઈ રાજયની બાજપા સરકાર પર નિશાન સાદ્યું છે. કમલનાથે કહ્યું કે, પ્રદેશના કેટલાક જિલ્લામાં શરાબ માફિયાઓ દ્વારા ગેરકાયદે શરાબનો વ્યાપાર નિરંતર ચાલુ હોવાની ફરિયાદો મળી રહી છે. અમારી સરકાર જતા જ આ માફિયા ફરી ડર્યા વગર સક્રિય થઈ ગયા છે. અમારી સરકારે તેમને કચડી નાખ્યા હતા, અને ભાજપા સરકાર તેમને સંરક્ષણ આપી રહી છે.

ઉજ્જૈન જિલ્લાના પોલીસ અદ્યક્ષ રૂપેશ દ્વિવેદીએ જણાવ્યું કે, બુધવાર અને ગુરૂવાર સુધી ઉજ્જૈનના ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તાર - ખારાકુવા પોલીસ સ્ટેશન, જીવજીગંજ પોલીસ સ્ટેશન, અને મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝેરી પદાર્થ પીવાથી ૧૧ લોકોના મોત થઈ ગયા છે. આ તમામ લોકો કાતો ભિખારી છે અથવા મજૂર લોકો છે. તેમણે કહ્યું કે, હવે આ પદાર્થ શું છે અને આ કોના દ્વારા વેચવામાં આવ્યો, તેની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આ મામલે અનેક જગ્યા પર રેડ કરવામાં આવી રહી છે, અને અત્યાર સુધીમાં ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં મુકય રીતે જિંજર બનાવનાર સિકંદર, ગબરૂ અને યુનુસ સામેલ છે. જે છતરી ચોક સ્થિત નગર નિગમની મલ્ટી પાર્કિંગમાં ગેરકાયદે જિંજર પોટલી બનાવી મજૂરોને વેચતા હતા. દ્વિવેદીએ કહ્યું કે, ઉજ્જૈન પોલીસ અધ્યક્ષ મનોજકુમાર સિંહે ખારાકુવા પોલીસ સ્ટેશનના પ્રભારી એમએલ. મીણા, બીટ પ્રભારી નિરંજન શર્મા અને બે આરક્ષકો શેખ અનવર અને નવાઝ શરીફને તત્કાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

એટલું જ નહીં, ઉજ્જૈન જિલ્લાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી મહાવીર ખંડેલવાલે જણાવ્યું કે, આ ૧૧ લોકોની હાલત એટલી હદે ખરાબ હતી કે, તેમાંથી કોઈ પણ ૧૫ મિનિટથી વધારે જીવીત ન રહી શકયા. સાથે જ તમણે કહ્યું કે, આ કોઈ ઝેરી શરાબ, સ્પ્રિટ અથવા કોઈ પણ અન્ય કેમિકલ પણ હોઈ શકે છે, જે વદારે તપાસમાં સામે આવશે.

(11:18 am IST)