Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

અયોધ્યા : મહત્વપૂર્ણ દલીલ

દમદાર દલીલો ચુકાદાનું ભાવિ નક્કી કરશે

નવીદિલ્હી, તા. ૧૬ : અયોધ્યાના ઐતિહાસિક જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટમાં આખરે સુનાવણી પરિપૂર્ણ થઇ ચુકી છે. સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વમાં પાંચ સભ્યોની બંધારણીય બેંચે પોતાનો ચુકાદો અનામત રાખી દીધો છે. સીજેઆઈ આગામી મહિને ૧૮મી નવેમ્બરના દિવસે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આનાથી પહેલા આ ઐતિહાસિક મામલામાં ચુકાદો આવી શકે છે. સીજેઆઈએ આજે સવારે સ્પષ્ટતા કરી દીધી હતી કે, સાંજે પાંચ વાગ્યા સુધી સુનાવણી પુરી કરી લેવામાં આવશે પરંતુ તેમના આક્રમક વલણના લીધે સુનાવણી એક કલાક પહેલા જ એટલે કે ચાર વાગે જ પરિપૂર્ણ કરી લેવામાં આવી હતી. અયોધ્યા કેસમાં સુનાવણી પૂર્ણ થઇ ચુકી છે. મહત્વપૂૂર્ણ દલીલો જે ચુકાદો નક્કી કરવામાં ભૂમિકા અદા કરનાર છે તે નીચે મુજબ છે.

હિન્દુ પક્ષકારની દલીલ

રામલલ્લા વિરાજમાનના વકીલે કહ્યું હતું કે, મસ્જિદની નીચે જે માળખુ હતું તેમાં કમળ, પરનાળા અને વૃત આકારના શ્રાયનના સિમ્બોલ મળી આવ્યા છે જેનાથી જાણી શકાય છે કે અહીં મંદિર હતું. સદીઓથી લોકો પૂજા કરી રહ્યા છે. માળખાની નીચે મંદિરનું માળખુ મળી આવ્યું છે. આર્કિયોલોજીકલ પુરાવા અમારી આસ્થાને ટેકો આપે છે. હિન્દુ પક્ષકારો તરફથી એવી દલીલ પણ કરવામાં આવી હતી કે, સ્કન્દ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જન્મસ્થાન પર જવા માત્રથી મોક્ષ મળે છે જેથી રામ જન્મસ્થાન હિન્દુઓ માટે મહત્વપૂર્ણ છે

મુસ્લિમ પક્ષકારની દલીલ

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને દલીલ કરી હતી કે, પહેલા બહારના વિસ્તારના પ્રાણ ચબૂતરા પર પૂજા અર્ચના થતી હતી પરંતુ ૧૯૪૯માં મૂર્તિને બહારના પ્રાંગણથી હટાવીને અંદરના હિસ્સામાં નીચે મુકી દેવામાં આવી હતી. મુસ્લિમ પક્ષના વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું છે કે, ફૈઝાબાદના તત્કાલિન કમિશનર કે નાયર સ્પષ્ટ નિર્દેશ છતાં મૂર્તિઓને દૂર કરવાની મંજુરી અપાઈ નથી. ધવને કહ્યું હતું કે, બાબરીના અંદર દેવી-દેવતાઓની પ્રતિમા પ્રગટ થવાની બાબત ચમત્કાર નથી. ૨૨-૨૩ ડિસેમ્બર ૧૯૪૯ની રાત્રે તેને મુકવા માટે ગુપ્તરીતે હુમલા કરાયા હતા.

રામજન્મસ્થાનને લઇને દલીલ

સુપ્રીમ કોર્ટમાં દલીલ આપવામાં આવી હતી કે, ભક્તોની અટૂત આસ્થાના પ્રમાણ છે કે, વિવાદાસ્પદ સ્થળ જ રામના જન્મસ્થાન તરીકે છે. સદીઓ બાદ આના પુરાવા કઈરીતે મળી શકે છે. બેંચે પ્રશ્ન કર્યો હતો કે, જીસસ જેવા અન્ય કોઇ ધાર્મિક વ્યક્તિત્વના જન્મસ્થાનને લઇને આવા કોઇ પ્રશ્ન ક્યારે ઉઠ્યા નથી

સુન્ની વક્ફ બોર્ડની દલીલ

અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં સુન્ની વક્ફ બોર્ડ તરફથી એવી દલીલ આપવામાં આવી હતી કે, અમે ભગવાન રામનું સન્માન કરીએ છીએ. જન્મસ્થળનું સન્માન કરીએ છીએ. આ દેશમાં જો રામ અને અલ્લાહનું સન્માન થશે નહીં તો દેશ ખતમ થઇ જશે. આ વિવિધતા વાળો દેશ છે. દુનિયામાં કોઇ દેશમાં આટલી વિવિધતા નથી. તમામ વર્ગોએ આ દેશને સ્વર્ણિમ ઇતિહાસમાં પરિવર્તિત કરવામાં ભૂમિકા ભજવી છે.

રામલલ્લા વિરાજમાન

અયોધ્યા મામલામાં રામલલ્લા વિરાજમાનના વકીલ પરાશરણે હિન્દુ ધર્મમાં ભગવાનના હોવાના મહત્વને લઇને રજૂઆત કરી છે. તર્ક આપ્યું છે કે, ઇશ્વર તમામ જગ્યાએ રહે છે. મૂર્તિ પૂજાથી લઇને પરિક્રમા સુધી કોર્ટનું ધ્યાન ખેંચવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ જન્મસ્થાન આવી માન્યતા હેઠળ પવિત્ર અને પૂજ્ય છે. સદીઓથી અહીં પૂજા થાય છે. નિર્મોહી અખાડાએ દલીલ કરી હતી કે, ૧૯૩૪માં ત્યાં મુસ્લિમો આવતા ન હતા અને નમાઝ પણ અદા કરતા ન હતા.

સિયા વક્ફ બોર્ડની દલીલ

સિયા વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, તે અયોધ્યામાં ૨.૭૭ એકર વિવાદાસ્પદ જમીનનો એક તૃતિયાંશ હિસ્સો મંદિર નિર્માણ માટે હિન્દુઓને આપવા માટે તૈયાર છે જે અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ સંગઠનોને ફાળવી હતી. ત્યારબાદ સિયા બોર્ડે પીઠની સમક્ષ કહ્યું હતું કે, બાબરના કમાન્ડર મીરબકી સિયા મુસ્લિમ તરીકે હતા અને બાબરી મસ્જિદ મુતવલી અથવા તો દેખરેખ કરનાર હતા

રામ ચબુતરાને જન્મસ્થાન માનવા ઇન્કાર

અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન સુન્ની વક્ફ બોર્ડે યુ ટર્ન લઇને સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, અમે આ બિલકુલ સ્વીકાર નથી કરતા કે રામ ચબુતરા ભગવાન રામનું જન્મસ્થળ છે. આ પહેલા મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે, રામ ચબુતરાને જન્મસ્થાન માનવામાં કોઇવાંધો નથી. અમારી એવી દલીલ છે કે, હિન્દુઓને એવો વિશ્વાસ છે અને જિલ્લા જજના ચુકાદા બાદ અમે કોઇ અપીલ કરી નથી

એએસઆઈ રિપોર્ટ પર સવાલ બદલ માફી

રામ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં એએસઆઈના રિપોર્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ મુસ્લિમ પક્ષે પોતાનું વલણ બદલ્યું છે અને આવું કરવા બદલ માફી માંગી છે. મામલાની સુનાવણી કરી રહેલી બંધારણીય બેંચ સમક્ષ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પુરાતાત્વિક સર્વેક્ષણ વિભાગના રિપોર્ટ પર પ્રશ્નો ઉઠાવવા બદલ માફી માંગી હતી

(7:56 pm IST)