Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

INX કેસમાં ઈડીએ કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમની ધરપકડ કરી

ઈડી ચિદમ્બરમને કોર્ટમાં હાજર કરી વધુ કસ્ટડી માંગશેઃ દિવાળી જેલમાં વિતાવવી પડી શકે છે

નવી દિલ્હી, તા.૧૬: એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે બુધવારે પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમની આઈએનએકસ મીડિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. ઈડીના અધિકારીઓ આજે સવારે કોર્ટના આદેશને પગલે ચિદમ્બરમની પૂછપરછ માટે તિહાડ જેલમાં ગયા હતા અને ત્યાં જ તેમની ધરપકડ કરી હોવાનું ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું.

દિલ્હીની વિશેષ કોર્ટે મંગળવારે ચિદમ્બરમની પૂછપરછ કરવા અને જરૂર પડ્યે ધરપકડ પણ કરવા આદેશ આપ્યો હતો. જેને પગલે ઈડીના અધિકારીઓએ સવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પૂછપરછ કરી હતી. સવારે ૮.૧૫ કલાકે ઈડીના અધિકારીઓ દિલ્હીની તિહાડ જેલ પહોંચ્યા હતા અને બે કલાક સુધી ચિદમ્બરમની પૂછપરછ કરી હતી.

પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. એજન્સી હવે તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી વધુ કસ્ટડીની માંગ કરશે. ૭૪ વર્ષીય પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમની ૨૧ ઓગસ્ટના સીબીઆઈએ ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેમને તિહાડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

ઈડીએ ચિદમ્બરમી વિરુદ્ઘ પીએમએલએ હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે.  આઈએનએકસ મીડિયાને વિદેશી રોકાણ મેળવવા માટે એફઆઈપીબીની મંજૂરીમાં કથિત ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.

(3:54 pm IST)