Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પ્લેનનું પાણી પીતા પહેલા બે વાર વિચારજો

ફલાઇટ એટેન્ડન્ટ અનુસાર પાણીની ટાંકી ભાગ્યે જ સાફ કરાય છે

હવે જયારે તમે હવાઇ મુસાફરી માટે પ્લેનમાં બેસો ત્યારે પાણી અથવા ચા-કોફી મંગાવતા પહેલા બે વાર વિચારજો. એક ફલાઇટ એટેન્ડન્ટ અનુસાર પ્લેનમાં પાણી સંગ્રહ માટેની ટાંકી ભાગ્યે જ સાફ કરવામાં આવે છે.

જેની નામની આ ફલાઇટ એટેન્ડન્ટ જેણે ૨૦ વર્ષો સુધી મોટી એરલાઇન કંપનીઓમાં કામ કરેલ છે તેણે પોતાનુ આખું નામ ન છાપવાની શરતે કહ્યું કે હું કયારેય આ પાણી નથી પીતી. મને કયારેય વિમાનની સાફ સફાઇ અને તેના ટેસ્ટીંગ પર ભરોસો નથી બેસતો.

આવું કહેનાર જેની એકલી નથી. એરલાઇન કંપનીઓ ભલેને પાણી નિયમો અનુસારનું છે અને પીવાલાયક છે એવો દાવો કરતી હોય પણ તેના પર થયેલા અભ્યાસો દર્શાવે છે કે પાણીનો સંગ્રહ કરતી એરોપ્લેનની ટાંકીઓ જેમાંથી પીવાનું પાણી અને ગરમ પીણા બનાવાય છે તેમાં બેકટેરીયાઓ હોય જ છે.

૨૦૧૫માં એરક્રાફટના પાણીની ગુણવત્તા અંગેનો અભ્યાસ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એનવાયરન મેન્ટલી રીસર્ચ એન્ડ પબ્લીક હેલ્થમાં પ્રકાશિત થયો હતો. જેમાં જણાવાયું હતું કે આ પાણીની ટાંકીઓ હાનિકારક બેકટેરીયાનું જન્મ સ્થાન છે.

૨૦૦૪માં અન્વાયર્નમેન્ટલ પ્રોટેકશન એજન્સીએ ૩૦૦થી વધારે વિમાનોમાંથી પાણીના નમુનાની તપાસ કરી હતી. જેમાંથી ૧૫ ટકા નમૂનાઓમાં કોલીફાર્મ બેકટેરીયા મળી આવ્યા હતા. પીવાના પાણીની જો આ સ્થિતી હોય તો વિચારો કે સેનીટરી માટે વપરાતા પાણીની શું દશા હશે.

ઓકટોબર ૨૦૧૧માં બધી એરલાઇનો માટે પીવાના પાણીની ગુણવત્તા અંગેના માપદંડોનો નિયમ બનાવાયો. આ નિયમ હેઠળ દરેક એરલાઇને વર્ષમાં ઓછામાં ઓછી એક વાર પાણીની ટાંકી સાફ કરાવવી અને તે પાણીનો કોલીફોર્મ અને ઇ કોલી બેકટેરીયા અંગેનો ટેસ્ટ વર્ષમાં ચાર વાર કરવો ફરજીયાત છે.

આ નિયમ બન્યા પછી ૨૦૧૩માં એનબીસીની તપાસમાં પીવાના પાણીની સમસ્યા જેમની તેમ જ હતી. ત્યારે ૧૨ ટકા પ્લેનોના પાણી કોલીફોર્મ પોઝીટીવ જોવા મળ્યા હતા. નિયમ અનુસાર પાણીની ટાંકી સાફ કર્યા પછી જયાં સુધી તેમાંનું પાણી બેકટેરીયા વગરનું ન થાય ત્યાં સુધી ફલશ કરતા રહેવું જરૂરી છે.

ફલાઇટ એટેન્ડન્ટનું યુનિયન કહે છે કે આ નિયમ સારો છે પણ હજુ વધારે કડક બનાવવાની જરૂર છે કેમ કે આ ક્રુ અને પેસેન્જર બંનેના આરોગ્ય માટે જરૂરી છે. આ બાબતે એરલાઇનોના પ્રવકતાએ કહ્યું કે હવે તો મોટા ભાગની એરલાઇનો વોટર બોટલ જ આપે છે.(ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:16 pm IST)