Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

આવતા સપ્તાહે ફરી બેઠક

GSTની આવક કેમ વધારવી? નવરચિત કમીટીની પ્રથમ બેઠક અનિર્ણિત રહી

નવી દિલ્હી તા. ૧૬ :.. જીએસટીની વસૂલાતને વધારે અસરકારક બનાવવા માટે બનેલી સમિતિની પહેલી બેઠક ગઇકાલે નિષ્ફળ રહી હતી. નવી બેઠક આવતા અઠવાડીયે થઇ શકે છે. ગઇકાલની બેઠકમાં સમિતિએ હાલની પરિસ્થિતિની છણાવટ કરી અને જીએસટી કલેકશન કેવી રીતે વધારવું તે અંગે ચર્ચા કરાઇ હતી.

દિવસભર ચાલેલી આ મીટીંગમાં બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિતના ૧૦ રાજયોમાં જીએસટીની આવક વધારવા બાબતે ચર્ચા કરાઇ હતી. સમગ્ર ચર્ચામાં જીએસટી ચોરીની મોડસ ઓપરેંડી અને તેનાથી નિપટવાના સુચનો શોધવા પર ભાર મુકાયો હતો. આ બેઠકમાં ગયા અઠવાડીયે પીએમઓમાં રાજયોના મુખ્ય સચિવો સાથે થયેલી મીટીંગના મુદાઓની પણ ચર્ચા કરાઇ હતી.

નવી સમિતિના અધિકારીઓને એક એવી જોરદાર કેન્દ્રીય વ્યવસ્થા બનાવવાનું કહેવાયું છે કે જેનાથી કેન્દ્ર અને રાજય સ્તરે બોગસ ઇનવોઇસ અપલોડ કરનાર, બોગસલ કલેઇમ લેનારા અને ઇનપુટ ક્રેડીટની ચોરી કરનારાઓ વિરૂધ્ધ એક સાથે એલર્ટ મોકલી શકાય. જેથી આવા જીએસટી ચોર એકવાર પકડાઇ જાય તો બીજા રાજયમાં ટેક્ષ ચોરી ન કરી શકે. સાથે જ રાજય સ્તરે ડેટા એનાલીસીસની સીસ્ટમ તૈયાર કરવા બાબતે પણ ચર્ચા થઇ હતી.

(11:41 am IST)