Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સૌરવ ગાંગુલી ઉપર ભાજપે અચાનક હેત કેમ વરસાવ્યું ?

૨૦૨૧ની ચૂંટણીમાં મમતાને ભરી પીવા સૌરવની સ્વચ્છ પ્રતિભાનો ઉપયોગ કરવા સાથે બીસીસીઆઇ ઉપર સંપૂર્ણ કબ્જો કરવાના આટાપાટાની વાતો ટવીટ્ર ઉપર વહેતી થઇ

મુંબઇઃ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયા (બીસીસીઆઇ)ના ચેરમેન પદે ભારતીય ટીમના ભૂતપુર્વ કપ્તાન સૌરભ ગાંગુલી ઉપર હાથીએ શા માટે કળશ ઢોળ્યો ? આ અંગે ચર્ચાઓ  શરૂ થઇ છે ત્યારે જાણીતા ટીવી જર્નાલીસ્ટ શ્રૃતિ પાંડાલાઇએ પોતાના ટવી્ટર હેન્ડલ ઉપર લખ્યું છે કે આ પદ અમસ્તું અમસ્તું નથી મળ્યું આ અંગે મોટો પ્લાન હોવાનું જણાઇ આવે છે. ૨૦૨૧માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ભાજપને મુખ્યમંત્રી મમતા બેનરજીને ભરી પીવા કોઇ મોટો ચહેરો જોઇએ છે. નિસ્તુલા હેબર ત્યાં સુધી કહે છે કે રવિવારે રાત્રે ૯ાા વાગે દિલ્હી-મુંબઇ વચ્ચે ફોન-કોલ્સનો ધમધમાટ થયો ત્યાં સુધી સૌરભ ગાંગુલી બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા-બીસીસીઆઇના ચેરમેન બનશે તે નકકી ન હતું.

આમ પશ્ચિમ બંગાળના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ફેરફારો આવી રહયાના અને બીસીસીઆઇની નિમણૂકો પાછળ રાજકીય દોરી સંચાર તથા પશ્ચિમ બંગાળમા આવી રહેલ રાજકીય સીનેરીયો માટે નવી જ ચર્ચાઓ શરૂ થઇ છે.

ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના ઉદ્યોગપતિ પુત્ર શ્રી જય શાહની બીસીસીઆઇના મહામંત્રીપદે વરણી સાથે જ અબજોના અબજો રૂ.નું ભંડોળ ધરાવતા બીસીસીઆઇ ઉપર હવે ભાજપનો સીધો કબ્જો આવી ગયાનું અને સૌરભ ગાંગુલીની સ્વચ્છ પ્રતિભાનો ભાજપ ભરપુર ઉપયોગ કરી બંગાળના મુખ્ય મંત્રીના ચહેરા તરીકે ઉપસાવે તેવી ચર્ચાઓ ટવીટ્ર ઉપર ઉભરવા લાગી છે.

તસ્વીરમાં સૌરવ ગાંગુલી, જય શાહ સહિત બીસીસીઆઇની નવી ટીમ નજરે પડે છે. સત્તાવાર જાહેરાત હવે પછી બોર્ડ મિટીંગમાં થશે.

(11:38 am IST)