Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

બાબા રામપાલને આજીવન કેદની સજા

તમામ દોષિતો પર ૧-૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે : રામપાલ સહિત ૧૪ દોષિતોને પણ ઉંમરકેદ

હિસાર તા. ૧૬ : સતલોક આશ્રમ હત્યા મામલે સંત રામપાલ પર સજાનું એલાન થઇ ગયું છે. તેમને બે મર્ડર કેસોમાં આજીવન જેલની સજા મળી છે. રામપાલની સાથે તેના ૨૬ અનુયાયિઓને પણ દોષિત ગણાવ્યા હતા. હિસારના અતિરિકત જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશ ડી.આર.ચાલિયાએ હત્યાના બંને કેસ અને અન્ય ગુનામાં રામપાલ અને તેના અનુયાયિઓને આરોપી ગણાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ હત્યાના મામલાની સુનાવણી અંદાજે ચાર વર્ષ સુધી ચાલી છે. ૬૭ વર્ષીય રામપાલ અને તેના અનુયાયી નવેમ્બર ૨૦૧૪માં ધરપકડના બાદથી જેલમાં બંધ છે. રામપાલ અને તેના અનુયાયિઓ વિરૂધ્ધ બરવાલા પોલીસ થાણામાં ૧૯ નવેમ્બર ૨૦૧૪ના બે કેસ નોંધવામાં આવ્યા હતા.

રામપાલ અને તેના અનુયાયીઓની વિરૂદ્ઘ બરવાલા પોલીસ સ્ટેશનમાં ૧૯ નવેમ્બર, ૨૦૧૪ના રોજ બે કેસ નોંધાયા હતા. પહેલો કેસ દિલ્હીમાં બદરપુરની નજીક મીઠાપુરના શિવપાલની ફરિયાદ પર જયારે બીજો કેસ ઉત્તરપ્રદેશમાં લલિતપુર જિલ્લાના સુરેશે નોંધાવ્યો હતો.

બંને એ રામપાલને આશ્રમની અંદર પોતાની પત્નીઓની હત્યાની ફરિયાદ કરી હતી. તેમણે આરોપ મૂકયો હતો કે બંને મહિલાઓને કેદ કરી રાખવામાં આવી અને બાદમાં તેની હત્યા કરી દેવાઇ. હત્યાના આરોપો સિવાય તેમના પર લોકોને ખોટી રીતે બંધક બનાવાનો આરોપ પણ મૂકાયો હતો.

(3:17 pm IST)