Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

છેલ્લી ઘડીએ સપના ચૌધરીનો કોન્સર્ટ રદ કરાતાં હિંસા ભડકી

સપના નહીં આવે તેવી જાહેરત થતાં આક્રોશ : લાઇવ કોન્સર્ટમાં સામેલ થવા ૯૯ રૂપિયાથી લઇ ૨૫૦૦ ટિકિટ રખાઈ હતી : પથ્થરમારામાં ૩થી વધુ લોકો ઘાયલ

લખનૌ, તા.૧૪ : હરિયાણાની લોકપ્રિય ડાન્સર સપના ચૌધરીની સામે લખનૌના આશિયાના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સપના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સમય આપવામાં આવ્યો હોવા છતાં નક્કી કરવામાં આવેલા કાર્યક્રમને રદ કરી દેવામાં આવ્યો હતો. સપના ઉપરાંત કાર્યક્રમના પાંચ આયોજકો ઉપર પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. શનિવારના દિવસે આશિયાનાના સ્મમૃતિ ઉપવનમાં ડાંડિયા નાઇટ્સ વીથ સપના ચૌધરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લાઈવ કોન્સ્ટેસ્ટમાં સામેલ થવા માટે ૯૯ રૂપિયાથી લઇને ૨૫૦૦ રૂપિયા સુધીની ટિકિટો રાખવામાં આવી હતી. રાત્રે ૧૦ વાગ્યા સુધી મંચથી જાહેરાત થતી રહી હતી કે સપના ચૌધરી થોડાક સમયમાં જ પહોંચશે પરંતુ છેલ્લી ઘડીએ કહેવામાં આવ્યું હતું કે, સપનાનો કાર્યક્રમ રદ થઇ ગયો છે. સપના ચૌધરીનો કાર્યક્રમ રદ થતાંની સાથે જ પથ્થરમારાનો દોર શરૂ થયો હતો. ભીડ બેકાબૂ થઇ ગઇ હતી. પથ્થરમારામાં કેટલાકને ઇજા પણ થઇ છે. ભારે જહેમત બાદ સ્થિતને કાબૂમાં લેવામાં આવી હતી. એસપી ઇસ્ટ સહિતના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પથ્થરમારા ઘાયલ થયેલા કેટલાક લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલામાં સપના ચોધરી અને અન્ય પાંચ આયોજકો સામે કેસ દાખલ કરી દીધો છે. સુત્રોના કહેવા મુજબ સપનાના આયોજકો સાથે વિવાદ થઇ ગયો હતો જેના લીધે કાર્યક્રમ રદ કરાયો હતો. આશિયાના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાકેશ કુમારનું કહેવું છે કે, પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે. સપના ચૌધરીનો કોન્સર્ટ રદ થયા બાદ બેકાબૂ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને બળનો પ્રયોગ કરવો પડ્યો હતો. મોડી રાત સુધી હિંસાનો દોર ચાલ્યો હતો.

(12:00 am IST)