Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રેપ પ્રકરણ : ચિન્મયાનંદ પર રેપનો કેસ ટૂંકમાં દાખલ થશે

કોર્ટની સમક્ષ પીડિતાએ નિવેદન દાખલ કરાવી દીધું: ચિન્મયાનંદની ટૂંક સમયમાં ધરપકડ થાય તેવા સાફ સંકેત

શાહજહાંપુર,તા.૧૬: ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં લો કોલેજની વિદ્યાર્થીની પર રેપ અને શોષણના મામલામાં પીડિતાએ કોર્ટ સમક્ષ આજે નિવેદન નોંધાવ્યું હતું. નિવેદન નોંધવાની પ્રક્રિયા આશરે ૪ કલાક સુધી ચાલી હતી. સુત્રોના કહેવા મુજબ પીડિતાએ કોર્ટ સમક્ષ સ્વામી ચિન્મયાનંદ સહિત અનેક લોકોના નામ લીધા છે. એમ માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં જ પોલીસ તપાસ અધિકારી ચિન્મયાનંદના મામલામાં રેપની કલમને પણ ઉમેરી દેશે. સ્વામી ચિન્મયાનંદ પર જો રેપનો મામલો દાખલ કરવામાં આવે છે તો પોલીસ ટૂંક સમયમાં જ ધરપકડ કરી શકે છે. આ પહેલા એસઆઈટી દ્વારા રવિવારના દિવસે પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદની ફરી એકવાર પૂછપરછ કરી હતી. વિદ્યાર્થીનીએ સ્વામી ઉપર રેપના વિડિયો કોઇ જગ્યાએ છુપાવી દેવા અને તમામ પુરાવાને નષ્ટ કરી દેવાનો આક્ષેપ કર્યો છે.

એસઆઈટીએ આ તમામ આરોપો અને સાક્ષીઓને લઇને સ્વામીની પુછપરછ કરી છે. બીજી બાજુ વિદ્યાર્થીનીના મિત્રો અને કોલેજના પ્રિન્સિપલની પણ પુછપરછ કરી છે. એસઆઈટીએ રવિવારે સવારે ૧૧ વાગ્યાથી પુછપરછનો સિલસિલો શરૂ કરી દીધો હતો. સૌથી પહેલા સ્વામી ચિન્મયાનંદને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જાણકારી મુજબ એસઆઈટીએ ચિન્મયાનંદ અને આક્ષેપ મુકનાર લોકોને સામ સામે કર્યા હતા. જો કે, એસઆઈએ આ અંગે હજુ માહિતી આપી નથી. એસઆઈટીએ ગુરુવારના દિવસે ચિન્મયાનંદની છ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. શુક્રવારના દિવસે વિદ્યાર્થીનીની પુછપરછ કરીને તેની સાથે સ્વામીના દિવ્યધામ આવાસ પહોંચીને ફોરેન્સિક તપાસ માટે અનેક સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

 

(9:47 pm IST)