Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સાવરકરના પોસ્‍ટરને લઇને શિવમોગામાં તણાવ

પોલીસે લાઠીચાર્જ કર્યો

બેંગ્‍લોર તા. ૧૬ : કર્ણાટકના શિવમોગામાં હંગામો થયો હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો સ્‍વતંત્રતા દિવસ પર અમીર અહેમદ સર્કલમાં વીર સાવરકરનું પોસ્‍ટર લગાવવા સાથે જોડાયેલો છે. અહીં કેટલાક લોકોએ પોસ્‍ટરનો વિરોધ કર્યો હતો. કર્ણાટક પોલીસે શિવમોગા જિલ્લાના ભાગોમાં સાવરકરના પોસ્‍ટરો હટાવવાના પ્રયાસોના વિરોધ બાદ કફર્યુ લગાવી દીધો છે. મેંગલુરુના સુરતકલ ઈન્‍ટરસેક્‍સનનું નામ સાવરકરનું નામ ધરાવતું બેનર પણ હટાવી દેવામાં આવ્‍યું છે.

શિવમોગા પોલીસે જણાવ્‍યું હતું કે ટીપુ સુલતાનના અનુયાયીઓના એક જૂથે શહેરના અમીર અહેમદ વર્તુળમાં ટીપુ સુલતાનનું બેનર લગાવવા બદલ વીડી સાવરકરના બેનરને હટાવવાનો પ્રયાસ કર્યા બાદ CrPCની કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્‍યો હતો. સ્‍થિતિમાં તણાવ છે.

આ પહેલા શનિવારે રાત્રે કોંગ્રેસના કાર્યકરોએ હડસન સર્કલમાં વિવિધ સ્‍વાતંત્ર્ય સેનાનીઓની તસવીરોવાળા પોસ્‍ટરો લગાવ્‍યા હતા. તેમાં ટીપુ સુલતાનનું પોસ્‍ટર પણ સામેલ હતું. અજાણ્‍યા લોકોએ આ પોસ્‍ટરોને નુકસાન પહોંચાડ્‍યું હતું. આ પછી પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ ડીકે શિવકુમારે ઘટનાસ્‍થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે કોઈ રાજયમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓ કોંગ્રેસની સ્‍વતંત્રતા કૂચને પચાવી શકતા નથી.

આ દરમિયાન કોંગ્રેસે કર્ણાટકની બોમાઈ સરકારને પણ ઘેરી હતી. વાસ્‍તવમાં બોમ્‍માઈ સરકારે અખબારોમાં જાહેરાત આપી હતી. તેમાં સ્‍વતંત્રતા સેનાનીઓની યાદી આપી હતી, પરંતુ તેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનું નામ સામેલ નહોતું. જેનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ મુખ્‍યમંત્રી બસવરાજ બોમાઈ પર રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના ગુલામ હોવાનો આરોપ લગાવ્‍યો હતો.

(12:00 pm IST)