Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સિધ્ધુને પંજાબ કોંગ્રેસનું સુકાન સોપવા સામે કેપ્ટનને વાંધો : સોનિયા ગાંધીને લખ્યો પત્ર

વિધાનસભાની ચૂંટણીમાં વરિષ્ઠોની નારાજગીને લઈને નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે

નવી દિલ્હી : પંજાબ કોંગ્રેસના પ્રમુખપદે નવજોતસિંહ સિધ્ધુની વરણી કરવા સામે, પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિહે નારાજગી વ્યકત કરીને કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. કોંગ્રેસના સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવ્યુ છે કે, સિધ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન સોપવા સામે કેપ્ટનને વાંધો છે. કેપ્ટનનું કહેવુ છે કે, કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓની અવગણના કરવી કોંગ્રેસને ભારે પડી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં વરિષ્ઠોની નારાજગીને લઈને નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.

કેપ્ટન અમરિંદરસિહે, સોનિયા ગાંધીને આ પત્ર એવા સમયે લખ્યો છે, જ્યારે કોંગ્રેસના હાઈકમાન્ડ નવજોતસિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન આપવાનો નિર્ણય કર્યો છે. પંજાબના પૂર્વ રાજ્યકક્ષાના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ શુક્રવારે, કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પંજાબ કોગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક બાદ રાવતે કહ્યું કે સોનિયા ગાંધીએ હજી સુધી પંજાબના પ્રદેશ પ્રમુખપદે નિમણૂક કરવાનો કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. જ્યારે નિર્ણય લેવામાં આવશે ત્યારે મીડિયાને જાણ કરશે. સૂત્રો કહે છે કે હરીશ રાવત હવે પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહને મળીને બન્ને વચ્ચે સમાધાન થાય તેવી ભૂમિકાને અંતિમ સ્વરૂપ આપશે.

(10:16 pm IST)