Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની મિલકત વેચીને રૂ. 13,100 કરોડ વસુલાયા

કેન્દ્રીય એજન્સીએ આ મિલકતોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કરી: ઇડીએ આ રકમ બેંકોના કન્સોર્ટિયમને આપી

નવી દિલ્હી :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ આજે માહિતી આપી છે કે દેશના સૌથી મોટા ઋણદાતા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ની આગેવાની હેઠળનાં એક કન્સોર્ટિયમએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીનાં શેરોના વેચાણથી 792.11 કરોડ રૂપિયાની વસુલાત કરી છે. કેન્દ્રીય એજન્સીએ આ મિલકતોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ જપ્ત કરી છે. ઇડીએ આ રકમ બેંકોના કન્સોર્ટિયમને આપી છે.

એક સત્તાવાર પ્રેસ રિલિઝ અનુસાર માલ્યા, મોદી અને ચોક્સીની પ્રોપર્ટીનાં વેચાણથી અત્યાર સુધીમાં 13,109.17 કરોડ રૂપિયાની વસુલાત થઇ છે.

બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન્સના માલિક માલ્યાને વિવિધ બેંકોને 9,000 કરોડ રૂપિયાની લોન ચુકવવાની બાકી છે. આ ઉપરાંત પંજાબ નેશનલ બેંક (પીએનબી) લોન છેતરપિંડી કેસમાં મુખ્ય આરોપી હીરાના વેપારીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર રૂ 13,000 કરોડનો ચુનો લગાવવાનો આરોપ છે.

વધુમાં પીએનબી વિ નીરવ મોદી કેસમાં આર્થિક ગુના અદાલત દ્વારા બેંકોને 1,060 કરોડ રૂપિયાની સંપત્તિની મંજૂરી આપવામાં આવી છે અને આર્થિક અપરાધી અધિનિયમની જોગવાઈ હેઠળ ઇડી દ્વારા 329.67 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. 1 જુલાઈ, 2021 ના રોજ, નીરવ મોદીની બહેન પૂર્વી મોદીએ ગુનાની રકમથી તેના વિદેશી બેંક ખાતામાંથી ઇડીને 17.25 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા.

વિજય માલ્યા, નીરવ મોદી અને ચોક્સીએ જાહેર ક્ષેત્રની વિવિધ બેંકો (PSBs) ને તેમની કંપનીઓ દ્વારા ફંડની ફેરવણી કરીને છેંતરપિડી આચરી હતી, જેના પરિણામે બેંકોને કુલ રૂ. 22,585.83 કરોડનું નુકસાન થયું હતું

(9:25 pm IST)