Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

યુપીના રાજકારણમાં ગરમાવો : એકબીજાની વોટ બેંક પર તરાપ ?

સપા બનાવી રહી છે બાબાસાહેબ વાહીની તો બસપા બ્રાહ્મણોને આપશે મહત્વ : ભાજપ માટે રામ મનોહર લોહિયા આદર્શ બની ગયા !!

લખનૌ તા. ૧૬ : યુપી વિધાનસભા ચુંટણી ૨૦૨૨માં હવે ૭-૮ મહિના જ રહ્યા છે ત્યારે અહીં રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. બધા રાજકીય પક્ષો પોતાની મૂળ મત બેંકની સાથે અન્ય પાર્ટીઓની મત બેંકમાં તરાપ મારવામાં લાગી ગયા છે. સમાજવાદી પાર્ટી દલીત મત બેંકને કબજે કરવા માટે બાબા સાહેબ વાહીની બનાવી રહી છે તો ભાજપ પોતાના કાર્યકરોને ડો. લોહીયાનો પાઠ પઢાવે છે. બસપા આ વખતે નવી ફોર્મ્યુલા મુજબ ટીકીટ વહેંચણીની તૈયારીમાં છે. તેના માટે બ્રાહ્મણો હવે ફરીથી પૂજ્ય બની ગયા છે.

બસપા સુપ્રીમો માયાવતીએ ચુંટણીમાં ટીકીટોની વહેંચણી માટે નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે. સામાન્ય અને ઓબીસીને વધારે ટીકીટો આપવામાં આવશે. પહેલી પ્રાથમિકતા બ્રાહ્મણોને આપવામાં આવશે. પણ આ વખતે યુવાઓને તક આપશે. ઓગસ્ટ સુધીમાં નામો પર વિચારણા થશે અને ઓકટોબર સુધીમાં નામોની જાહેરાત કરી દેવામાં આવશે.

તો બિન કોંગ્રેસવાદના જનક અને સમાજવાદી ચિંતક ડોકટર રામ મનોહર લોહિયા હવે ભાજપ માટે પણ આદર્શ બની ગયા છે. જે વ્યકિત સમતા, સમાનતા અને સમત્વ ભાવથી કામ કરે છે તે યોગી છે એવા ડો. લોહિયાના સિધ્ધાંત પર ચાલીને ભાજપા પછાતોને લોભાવવામાં લાગી છે. ભાજપા પ્રવકતા આલોક વર્મા કહે છે કે ડોકટર લોહિયા અથવા આંબેડકર જેવા નેતાઓ કોઇ એક પક્ષની જાગીર નથી.

જો કે વિધાનસભા ચુંટણી ૨૦૨૧ની તૈયારીઓમાં સપા સૌથી આગળ છે. સપા ઓફિસની બહાર તેના ચુંટણી ઢંઢેરાની ઝલક દર્શાવતા હોર્ડીંગ્સ લાગેલા છે. જેમાં બધાને ૩૦૦ યુનિટ મફત વીજળી અને ૧૦ લાખ યુવાઓને રોજગારનું વચન અપાયું છે. પોસ્ટરની ટેગ લાઇન છે 'પુરે કીયે થે વાદે, અબ હૈ નયે ઇરાદે' આ પહેલા સપા કેટલાય ચુંટણી ગીતો પણ રીલીઝ કરી ચૂકી છે. (રાજસ્થાન પત્રિકામાંથી સાભાર)

(2:28 pm IST)