Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

આફતમાં અવસર : કોરોના વાઈરસમાં સરકારને કમાણીઃ હેન્ડ સેનિટાઇઝર્સ પર 18 ટકા જીએસટી

હેન્ડ સેનિટાઇઝર્સ બનાવવામાં વપરાતી ઇનપુટ સેવાઓ પર પણ ૧૮ ટકા જીએસટી લાગુ પડશે

નવી દિલ્હી : કોરોનાકાળમાં સૌથી વધુ વપરાતા સેનિટાઇઝર્સ પર પણ સરકારે ૧૮ ટકા જીએસટી ઝીક્યો છે , સરકારનું કહેવું છે કે સેનિટાઇઝર્સ પણ સાબુ, એન્ટી-બેક્ટેરિયલ લિક્વિડ્સ, ડેટોલની જેમ જ છે. તેથી તેના પર ૧૮ ટકા જીએસટી લાગુ પડવો જોઇએ. નાણામંત્રાલયે જણાવ્યું હતું કે વિવિધ રસાયણો, પેકિંગ સામગ્રી અને હેન્ડ સેનિટાઇઝર્સ બનાવવામાં વપરાતી ઇનપુટ સેવાઓ પર પણ ૧૮ ટકા જીએસટી લાગુ પડશે. સેનિટાઇઝર્સ અને અન્ય આવી જ ચીજો પર જીએસટી રેટ ઘટાડવામાં આવશે તો જકાતનું માળખું બગડશે અને હેન્ડ સેનિટાઇઝર્સના આયાતકારો અને ઘરેલુ ઉત્પાદકોને નુકસાન થશે

  આ પગલા પાછળનું તર્ક સમજાવતાં નાણાં મંત્રાલયે કહ્યું હતું કે જીએસટી રેટ્સ ઘટાડવાથી સેનિટાઇઝર્સની આયાત સસ્તી થશે કેમ કે જો કાચા માલસામાન પર અંતિમ પેદાશની સરખામણીએ વધુ જીએસટી લેવાશે તો તેનાથી ઘરેલુ ઉદ્યોગને ગેરલાભ થશે. જે 'આત્મનિર્ભર ભારત' અંગેની રાષ્ટ્રીય નીતિની વિપરીત છે. જો જકાતના વિપરીત માખળાને કારણે ઘરેલુ ઉત્પાદનને અસર થશે તો ગ્રાહકોને પણ જીએસટી રેટ ઘટાડવાથી છેવટે લાભ નહિ થાય.

 ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગની ગોવા બેન્ચે તાજેતરમાં ઠરાવ્યું હતું કે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર્સને ૧૮ ટકા જીએસટી અમલી બનશે. જોકે ગ્રાહક બાબતોના મંત્રાલયે હેન્ડ સેનિટાઇઝર્સને એક આવશ્યક ચીજ ગણાવી હતી. પરંતુ જીએસટીના કાયદામાં મુક્તિ માટેની ચીજોની એક અલગ યાદી છે તેમ ઓથોરિટીએ કહ્યું હતું. જોકે એ પછી સરકારે હેન્ડ સેનિટાઇઝર્સને આવશ્યક ચીજવસ્તુ કાયદા, ૧૯૫૫ના અધિકારક્ષેત્રમાંથી હેન્ડ સેનિટાઇઝર્સને એમ કહીને કાઢી હતી કે તેનો પૂરતો પૂરવઠો છે.

(11:15 am IST)