Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

નવેમ્બરમાં ભારતમાં કોરોનાના કેસ અધધ ૧ કરોડને પાર થશે

ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાઇન્સે કર્યો દાવો : સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કેસ ૩૫ લાખથી વધુ થશેઃ આવતા દોઢ મહિના દરમિયાન ૨૬ લાખ નવા કેસ નોંધાશે : એકટિવ કેસ ૧૦ લાખને પાર

નવી દિલ્હી તા. ૧૬ : હાલમાં દેશભરમાં કોરોનાના દરરોજ ૨૫ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગઇકાલે કોરોનાના એક દિવસમાં સૌથી વધુ ૨૯,૪૨૯ નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં આ ઘાતક વાયરસે અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા વધીને ૯,૩૬,૧૮૧ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાઇન્સ બેંગ્લોરે આશ્ચર્યજનક અંદાજ વ્યકત કર્યો છે. આઇઆઇએસસીના જણાવ્યા મુજબ હાલના ટ્રેડના હિસાબથી ભારતમાં ૧ સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના ૩૫ લાખ કેસ હશે. એટલે કે આવતા દોઢ મહિનામાં ૨૬ લાખ નવા કેસ સામે આવશે.

ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સના જણાવ્યા મુજબ ૧ સપ્ટેમ્બર સુધી ભારતના કોરોના એકિટવ કેસ અંદાજે ૧૦ લાખ થશે. અંદાજ એ પણ છે કે જો આવનારા દિવસોમાં સ્થિતિ સુધરે છે તો પણ દેશમાં ૧ સપ્ટેમ્બર સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૦ લાખે પહોંચશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૨૪,૩૦૯ના મોત થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આઇઆઇએસસીના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થશ.ે આઇઆઇએસસીના જણાવ્યા મુજબ ૧ નવેમ્બર સુધી ભારતમાં ૧.૨ કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થશે. જ્યારે ૧ જાન્યુઆરી સુધી ભારતમાં આ ખતરનાક વાયરસથી ૧૦ લાખ લોકોના મોત થશે. આઇઆઇએસસીએ કહ્યું છે કે હાલના ટ્રેન્ડ હિસાબથી ૧ સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રમાં ૬૩ લાખ, દિલ્હી ૨.૪ લાખ, તામિલનાડુ ૧.૬ લાખ અને ગુજરાતમાં કોરોનાના દર્દીની સંખ્યા ૧.૮ લાખ સુધી પહોંચ જશે. આઇઆઇએસસીના જણાવ્યા મુજબ જો સ્થિતિ વધુ ખરાબ થશે તો ફરી માર્ચના અંત સુધીમાં ભારતના ૬.૨ કરોડ કેસ થશે અને ૮૨ લાખ એકટિવ કેસ થશે અને ૨૮ લાખના મોત થશે.

(10:17 am IST)