Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ભુકંપ બાદ વિજયભાઇની રાજકોટ, જુનાગઢ, અમરેલીના કલેકટરો સાથે વાતચીતઃ નુકસાનીનો સરવે કરવા સુચના

આશરે ત્રણથી ચાર સેકન્ડનો પણ જોરદાર આંચકો અનુભવાયોઃ રાજકોટથી માત્ર ૧૮ કી.મી. ના અંતરે કેન્દ્રબિંદુ નોંધાયું હોય તેવુ પ્રથમ વખત બન્યું

રાજકોટઃતા.૧૬, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવેલા ભૂકંપ બાદ શ્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેની નોંધ લીધી છે. તેઓએ તાત્કાલિક સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના કલેકટર સાથે ફોન પર વાત કરીને માહિતી મેળવી હતી. આ ઉપરાંત ભૂકંપથી થયેલા નુકસાનીનો સરવે કરવા સૂચના આપી છે. તેઓએ રાજકોટ, અમરેલી અને જુનાગઢના કલેકટરો સાથે વાત કરી હતી.

વહેલી સવારે લોકો હજી ઉઠ્યા હતા ત્યારે ઘરની ઘરવખરી અચાનક ધ્રૂજી ઉઠી હતી. ત્યારે લોકો તાત્કાલિક ઘરની બહાર ભાગી છૂટ્યા હતા. કયાંક સવારે ૭.૩૮ તો કયાંક ૭.૪૦ કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લગભગ ૩ થી ૪ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈ જાનહાનિના સમાચાર હજી સામે આવ્યા નથી. પરંતુ આ આંચકાથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે.

ગોંડલ પંથક મા સવારે ૭.૪૦ એ ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત અમરેલી, સાવરકુંડલા, વડિયા, સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયો હતો. ઉપલેટા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઉપલેટા શહેર તથા પાનેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો ૨ - ૩ સેકન્ડ નો આંચકો અનુભવાયો છે. ધોરાજી શહેર તથા ગ્રામ્ય પંથકના પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

(10:21 am IST)