Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મહારાષ્ટ્રના રસ્તા પર વહી દૂધની નદીઓ

પ્રદર્શનના કારણે દૂધને શહેરોમાં મોકલવાના બદલે રસ્તા પર ફેંકવામાં આવી રહ્યું છે

મુંબઈ તા. ૧૬ : મહારાષ્ટ્રના અલગઅલગ વિસ્તારમાં દૂધનો વેપાર કરતા ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનના કારણે દૂધને શહેરોમાં મોકલવાના બદલે રસ્તા પર ફેંકવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં મુંબઈ, પુણે અને નાસિક જેવા શહેરોમાં દૂધની ભારે તંગી સર્જાઈ છે. નાસિકના સાયખેડા વિસ્તારમાં ખેડૂતોએ આંદોલન કર્યું છે. આ આંદોલન વકરતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો પણ આમ છતાં તેઓ આંદોલન કરી રહ્યા છે.

રાજયમાં કોલ્હાપુર, પુણે, સાંગલી તેમજ અહેમદનગર જેવા વિસ્તારોમાં દૂધની ગાડીઓમાંથી પેકેટ કાઢીને રસ્તાઓ પર ફેંકી દેવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે મોટી ડેરીઓ ખેડૂતો પાસે ૧૭-૧૮ રૂ. લિટરના ભાવે દૂધ ખરીદે છે અને એને પ્રોસેસ કરીને ૪૨ રૂ. કરતા વધારે ભાવે વેંચે છે. જો ખેડૂતોનું આ આંદોલન લાંબું ચાલે તો  મુંબઈમાં દૂધની ભારે તંગી ઉભી થઈ શકે છે.

અખિલ ભારતીય કિસાન સભાના અજીત નવાલેએ માહિતી આપી છે કે રાજય સરકાર ઉંચી કિંમતે દૂધ ખરીદવામાં અસફળ રહેશે અથવા તો ડેરી ખેડૂતોને વિશેષ સબસિડી નહીં આપે તો આંદોલન ઝડપી બનશે. (૨૧.૩૪)

(3:55 pm IST)