Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

કાબુલમાં મંત્રાલય બાદ સ્યુસાઇડ એટેક : ૧૦ના મોત : અનેક ઘાયલ

મંત્રાલયના ગેટ પાસે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કરીને પોતાને ફૂંકી માર્યો

કાબુલ તા. ૧૬ : અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં રૂરલ રિહેબિલેશન એન્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી (એમઆરઆરડી) બહાર એક પ્રચંડ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હુમલામાં ઓછામાં ઓછા ૧૦નાં મોત થયાં છે અને અનેક લોકો ઘવાયા છે.

કાબુલના દારુલામાન પ્રાંતમાં એમઆરઆરડીના ગેટ નજીક આ આત્મઘાતી બોમ્બ હુમલો થયો હતો. અહેવાલો અનુસાર આ મંત્રાલયના ગેટ પાસે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કરીને પોતાને ફૂંકી માર્યો હતો.

એમઆરઆરડીના પ્રવકતા ફરીદુન અજંદે જણાવ્યું હતું કે જયારે મંત્રાલયના કર્મચારીઓ દિવસના અંતે કાર્યાલય છોડીને પોતપોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે ગેટની બહાર ઊભેલા એક આત્મઘાતી હુુમલાખોરે પ્રચંડ બ્લાસ્ટ કરતાં ૧૦નાં મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા.

અફઘાનિસ્તાનમાં હવે સામાન્ય નાગરિકો અને સુરક્ષા દળોને નિશાન બનાવવા ઉપરાંત સરકારી કર્મચારીઓને પણ મોતને ઘાટ ઉતારવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું છે કે આત્મઘાતી બોમ્બરે મુખ્યત્વે એ વાહનને નિશાન બનાવ્યું હતું જેમાં કેટલાક વિદેશીઓ બેઠા હતા અને મંત્રાલયની બહાર જઇ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રાલય નજીક આત્મઘાતી હુમલાની આ બીજી ઘટના છે. ગયા મહિને ૧૧ જૂનના રોજ થયેલા સ્યુસાઇડ એટેકમાં ૧૭ લોકોનાં મોત થયાં હતાં અને મૃતકોમાં મોટા ભાગના સરકારી કર્મચારીઓ હતા. તાજેતરના હુમલા માટે હજુ સુધી કોઇ આતંકવાદી સંગઠને જવાબદારી સ્વીકારી નથી.અફઘાનિસ્તાનમાં વર્ષના પ્રથમ છ મહિનામાં થયેલ જુદી જુદી આતંકી ઘટનાઓ અને હુમલામાં ૧,૬૯ર નાગરિકોનાં મોત થયાં છે. સંયુકત રાષ્ટ્રસંઘ મિશને જણાવ્યું હતું કે અત્યાર સુધીની આ સૌથી મોટી સંખ્યા છે. સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર મિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સંયુકત રાષ્ટ્ર સહાયતા મિશન દ્વારા આજે જારી કરાયેલા આંકડા બતાવે છે કે યુદ્ઘ દરમિયાન સૌથી વધુ ખુવારી અફઘાની નાગરિકોની થઇ છે.(૨૧.૩૨)

(3:55 pm IST)