Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

કાશીમાં આખલાએ રોકયો મોદીનો કાફલોઃ અધ્ધર થયા અધિકારીઓના શ્વાસ

દિલ્હીની સુરક્ષા એજન્સીઓના લોકો પણ વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક માની રહ્યા છે

વારાણસી તા. ૧૬ : શિવની નગરી કાશીમાં શનિવારે રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રોકાઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થવાને કારણે સ્થાનીક પ્રશાસન અને સુરક્ષા અધિકારીઓમાં હડકંપ મચ્યો છે. આ સાથે જ દિલ્હીની સુરક્ષા એજન્સીઓના લોકો પણ વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક માની રહ્યાં છે.

હકીકતમાં પોતાના સંસદીય વિસ્તારમાં વડાપ્રધાન વિકાસ કાર્યનો અહેવાલ લેવા માટે નીકળ્યા હતાં. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ પણ તેની સાથે હતાં. બીએચયુ સ્થિત વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા પછી તેમનો કાફલો રસ્તા પર નીકળ્યો હતો.

આમ તો વડાપ્રધાનના પ્રવાસના કારણે અનેક રસ્તાઓ પરથી ખુલ્લા સાંઢને પકડીને કાંજી હાઉસ મોકલાયાં હતાં છતાં વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. શનિવારે સાંજે કેન્ટ રેલવે સ્ટેશનની સામે વડાપ્રધાનનો કાફલો જેવો પસાર થયો કે તરત જ બે આખલા લડતા લડતા રસ્તા પર આવી ગયાં હતાં. જેથી કેટલીક મિનિટો માટે વડાપ્રધાનનો કાફલો રોકાઈ ગયો હતો. મોદી પણ કારની અંદર બેસીને આ લડાઈ જોતા રહ્યાં હતાં.

ભરબજારે પીએમનો કાફલો રોકાયો તો સુરક્ષા અધિકારીઓનો શ્વાસ અદ્ઘર થઈ ગયો હતો. આખલાઓને નિયંત્રણમાં લાવવા માટે લાઠી પણ મારવામાં આવી હતી. જોકે, આ પછી પણ પરિસ્થિતિ કાબૂમાં આવી નહોતી. જેમ તેમ કરીને પછી આખલાઓને રસ્તા પરથી દૂર ખસેડાયાં હતાં. જે પછી કાફલો આગળ વધ્યો હતો. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ પણ આ ઘટનાને પીએમની સુરક્ષામાં મોટી ચૂક માની હતી.

નોંધનીય છે કે વડાપ્રધાન પોતાના સંસદીય ક્ષેત્રની યાત્રા દરમિયાન પહેલીવાર આવો નજારો જોયો હશે. જોકે, વારાણસીમાં આ પહેલા પણ પીએમના પ્રવાસ દરમિયાન તેમના આવવા-જવાના સ્થાન પર આખલા અવરોધ બની ચૂકયાં છે. વારાણસીમાં આવારા આખલાઓએ અનેક લોકોના જીવ પણ લીધાં છે પરંતુ તેમને નિયંત્રિત કરવામાં કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી.(૨૧.૪)

(12:15 pm IST)