Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ઇતિહાસમાં પ્રથમ વખત ૬ દિવસ માટે બંધ થશે તિરૂપતિ બાલાજી મંદિર

૧૧ થી ૧૬ ઓગષ્ટ મંદિર રહેશે બંધ : TTD બોર્ડ કર્યો નિર્ણય

તિરૂમાલા તા. ૧૬ : તિરૂમાલાના ભગવાન વેંકટેશ્વર મંદિર પરિસરમાં ૧૧ ઓગસ્ટથી ૧૬ ઓગસ્ટ સુધી શ્રદ્ઘાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અહીં દર ૧૨ વર્ષે એક વિશેષ પૂજા કરવામાં આવે છે. જે અંતર્ગત તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ્ બોર્ડે (TTD)એ ભકતોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

TTD બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, 'આવું પ્રથમવાર બની રહ્યું છે કે કોઈ ધાર્મિક ક્રિયા દરમિયાન શ્રદ્ઘાળુઓને મંદિર પરિસરમાં પ્રવેશવાની અનુમતિ નહીં આપવામાં આવે.'આ પ્રાચીન મંદિરના ગર્ભ ગૃહના ઢાંચામાં સામાન્ય ફેરફાર કરાયો હતો. જેના પગલે 'અષ્ટવંદના બાલલ્યા મહાસમપ્રોક્ષણમ્' ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવે છે. TTDના અધ્યક્ષ પુટ્ટા સુધાકર યાદવે જણાવ્યું કે, 'આ અનુષ્ઠાન દરમિયાન TTD બોર્ડે શ્રદ્ઘાળુઓને મંદિર પરિસરમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો છે.'૨૭ જુલાઈએ ચંદ્રગ્રહણ હોવાને કારણે પણ મંદિર બંધ રહેશે. ૨૭ જુલાઈએ રાત્રે ૧૧.૫૪ કલાકે ગ્રહણ શરૂ થશે અને ૨૮ જુલાઈએ પરોઢિયે ૩.૪૯ કલાકે પૂરું થશે. મંદિરના મુખ્ય દરવાજા ભકતો માટે ૨૭ જુલાઈએ સાંજે ૫ વાગ્યાથી બંધ થશે અને ૨૮ જુલાઈએ સવારે ૪.૧૪ કલાકે દ્વાર ફરી ખોલાશે તેમ અધિકારીઓએ જણાવ્યું.

મહત્વનું છે કે, ગુજરાત અને દેશભરમાંથી લોકો તિરુમાલા મંદિરમાં પૂજા-અર્ચના કરવા જાય છે. કેટલાક ભકતો પોતાની માનતા પૂરી થયા બાદ પણ અહીં પૂજા કરવા જાય છે. શનિવારે TTDને ૧૩.૫૦ કરોડનું દાન બે NRI આઈ. રવિ અને જી. શ્રીનિવાસ તરફથી મળ્યું છે. (૨૧.૧૧)

(11:48 am IST)