Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સંતાનો દુર્વ્યવહાર કરે તો મા-બાપ સંપત્તિ પરત લઇ શકે

બોમ્બે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો : દીકરો સંભાળ ન લે તો પ્રોપર્ટી પણ ન મળે

મુંબઈ તા. ૧૬ : પાલનપોષણ કરીને સંતાનોને પોતાના પગભર કર્યા બાદ જયારે ઘડપણમાં ટેકાની ખાસ જરૂર હોય ત્યારે જ કેટલાક સંતાનો તેમના વૃદ્ઘ માતા-પિતાને ઠંગો બતાવી દેતા હોય છે. તો આવા સંતાનોને બોમ્બે હાઈકોર્ટે ફટકાર લગાવી છે. જો સંતાનો હવે તેમના માતા-પિતાની કાળજી નહીં રાખે કે તેમને હેરાન કરશે તો તેમણે પ્રોપર્ટીમાંથી હાથ ધોવા પડશે. માતા-પિતાએ પહેલેથીં જ આપી દીધેલી પ્રોપર્ટી પણ પરત લઈ શકશે.

જસ્ટિસ રણજીત મોરે અને અનુજા પ્રભુદેસાઈની બેન્ચે ટ્રિબ્યુનલના ચુકાદાને માન્ય રાખ્યો હતો જેમાં મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ સિનિયર સિટીઝન્સના સ્પેશિયલ લો અંતર્ગત ઓર્ડર આપતાં અંધેરીમાં રહેતા એક શખ્સને તેમના માતા-પિતાએ ગિફટમાં આપેલ ફલેટનો ૫૦ ટકા ભાગ કેન્સલ કરીને તેમના માતા-પિતાને આપી દીધો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, 'દીકરા અને તેની પત્નીની વિનંતી પર ફલેટ ગિફટ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સૂચિત કરવામાં આવે છે કે ફલેટનો ૫૦ ટકા ભાગ આપ્યા બાદ વૃદ્ઘ પિતા અને તેમના બીજી પત્નીની સંતાનોએ સંભાળ લેવી.'

વધુમાં કોર્ટે દીકરાએ કરેલી અરજી ફગાવતાં કહ્યું કે, 'પુત્ર અને વહુ તેમના પિતાની સંભાળ લેવા માટે તૈયાર હતા પણ પિતાની બીજી પત્નીની સંભાળ લેવા માટે તેઓ તૈયાર ન હતા. ત્યારે ગિફટ રદ કરવાના ઓર્ડરમાં કંઈ ભૂલ નથી થઈ રહી, તેથી આ અરજી ફગાવવામાં આવે છે.' મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એકટ ૨૦૦૭માં જોગવાઈ આપવામાં આવી છે કે જે પેરેન્ટ્સે તેમના દીકરાને કે કોઈ શખ્સને પ્રોપર્ટીમાં ભાગ આપ્યો હોય તેમણે માતા-પિતાની સંભાળ લેવી પડશે, પરંતુ આ કાયદો હોવા છતાં કેટલાંય વૃદ્ઘ માતા-પિતા નિરાધાર રહે છે.

જો સિનિયર સિટીઝને ૨૦૦૭ પછી પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાના કરાર કર્યા હોય, જેમ કે તેમની સંભાળ લેવાની શરતે આપવામાં આવેલ હોય, પણ તે શખ્સ કરારનું સન્માન ન કરે ત્યારે મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ પ્રોપર્ટી ટ્રાન્સફરનો કરાર રદ કરી શકે છે. આ કેસમાં સિનિયર સિટીઝનની પહેલી પત્ની ૨૦૦૪માં મૃત્યુ પામી હતી. ગયા વર્ષે જયારે તેઓ ફરી પરણવા માંગતા હતા ત્યારે તેમના દીકરા અને વહુએ અંધેરી સ્થિત ફલેટ ગિફટમાં આપવાની વિનંતી કરી હતી.

પરિવારમાં શાંતિ જળવાય રહે તે માટે તેમણે ફલેટનો ૫૦ ટકા ભાગ પોતાના દીકરાના નામે કરી દીધો હતો. બાદમાં દીકરાએ અને વહુએ તેમની બીજી પત્નીનું અપમાન કરવાનું શરૂ કરી દીધું હતું. પિતાની અને તેમની બીજી પત્નીને દબાણપૂર્વક ફલેટની બહાર કાઢી મુકવામાં આવ્યાં જેથી તેમણે ના છૂટકે અન્ય અપાર્ટમેન્ટમાં ભાડે રહેવું પડ્યું હતું. બાદમાં પિતાએ મેન્ટેનન્સ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો જેમણે દીકરાને ગિફટમાં આપેલ ફલેટનો ૫૦ ટકા ભાગનો હક રદ કરી દીધો. દીકરાએ ટ્રિબ્યુનલના ઓર્ડરને હાઈકોર્ટમાં પડકાર્યો હતો પણ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.(૨૧.૯)

 

(11:45 am IST)