Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મિરઝાપુરમાં ૪૦૦૮ કરોડ રૂપિયાની યોજનાઓની ભેંટ

પૂર્વાંચલમાં બીજા દિવસે નરેન્દ્ર મોદી વ્યસ્ત રહ્યા : યુપીના દરેક મંડળમાં એક મેડિકલ કોલેજ બનશે : યોગી

મિરઝાપુર, તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વાંચલના પોતાના પ્રવાસના બીજા દિવસે મિરઝાપુરમાં આશરે ૪૦૦૮ કરોડની યોજનાઓની ભેંટ આપી હતી. મોદીએ એકબાજુ ૩૪૨૦ કરોડ રૂપિયાની બાણ સાગર સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે વારાણસીને મિરઝાપુર સાથે જોડનાર ચુનાર પુલનું લોકાર્પણ કર્યું હતું. આ પુલને બનાવવામાં ૬૯ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુ પ્રિયા પટેલના સંસદીય ક્ષેત્ર મિરઝાપુરમાં મેડિકલ કોલેજનું શિલાન્યાસ કર્યું હતું. મોદીની સાથે કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની કેબિનેટના પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશના દરેક મંડળમાં એક મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. પિપરાડાડમાં બની રહેલી આ મેડિકલ કોલેજને બનવામાં ૨૬૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. આ ઉપરાંત મોદી મિરઝાપુરની સરહદથી લઇને અલ્હાબાદ સુધીના નેશનલ હાઈવે ૭૬ના વિસ્તૃતિકરણની કામગીરીનું શિલાન્યાસ કર્યું હતું. સમગ્ર પૂર્વાંચલના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. યોગીએ કહ્યું હતું કે, સરકાર વર્ષોથી પેન્ડિંગ રહેલી યોજનાઓને પ્રાથમિકતાના આધાર પર હાથ ધરીને પૂર્ણ કરી રહી છે. યુવાનોને રોજગારી કોઇપણ અડચણ વગર આપવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, બાણ સાગરની આ યોજના કોઇ નવી યોજના નથી. આ યોજનાને ખુબ પહેલા બની જવાની જરૂર હતી પરંતુ સરકારો ખેડૂતોની ભલાઈની ઇચ્છા શક્તિ રાખતી ન હતી. ખેડૂતોની અપેક્ષાઓને પૂર્ણ કરવાનું કામ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ ૧૯૯૦ બાદ પ્રદેશની અંદર ચાર વખત સમાજવાદી પાર્ટી અને ચાર વખત બહુજન સમાજ પાર્ટીની સરકાર રહી છે પરંતુ વિકાસ તેમના એજન્ડામાં ક્યારેય રહ્યા નથી જેથી બાણ સાગર યોજના પણ અટવાયેલી હતી.

(12:00 am IST)