Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

કેન્દ્રીય સુરક્ષા બળોની નિવૃતિ વય મર્યાદા વધીઃ સુપ્રિમે કેન્દ્રની અરજી ફગાવીઃ હવે ૬૦ વર્ષે થશે નિવૃત

 નવી દિલ્હીઃ કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો માટે ખુશીના સમાચાર છે. આ જવાનોની સેવા નિવૃતિ વય મર્યાદા વધારીને ૬૦ વર્ષની કરવામાં આવી છે. જે અંગેનું નોટીફીકેશન આ મહિનામાં બહાર પડે તેવી શકયતા છે.સુપ્રિમકોર્ટ દ્વારા થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારની ખાસ પરવાનગી માંગતી અરજી રદ કરેલ જેના લીધે નિવૃતિ વય મર્યાદામાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટના નિર્ણય વિરૂધ્ધ સુપ્રિમમાં અરજી કરેલ.

સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દિલ્હી હાઇકોર્ટના આદેશને મે મહિનાના અંત સુધીમાં લાગુ કરી દેશે. આ અંગે કેન્દ્રીય બળોના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિચાર  વિમર્શ ચાલી રહયો છે. બધા કેન્દ્રીય સુરક્ષા બળોના જવાનોને આ સેવા નિવૃતિના ફાયદો થાય તે રીતે આયોજન કરવામાં આવી રહયું છે. એક વરિષ્ઠ અધિકારી અનુસાર પ્રસ્તાવ અંગે ગૃહ મંત્રાલયની સ્વીકૃત બાદ આદેશ જાહેર કરાશે. હાલ ગૃહ ખાતુ અલગ-અલગ સ્તરો ઉપર પ્રસ્તાવને લઇને વિચાર કરી રહયું છે. જવાનથી લઇને હાઇ લેવલના અધિકારી સુધીની નિવૃતિ વય મર્યાદા ૬૦ વર્ષ કરવા ઉપર વિચાર થઇ રહયો છે, જે હાલમાં ૫૭ વર્ષ છે.

સુપ્રિમ કોર્ટે ૧૦ મેના રોજ કેન્દ્રની વિશેષ અરજી ફગાવી દીધેલ. અરજીમાં જણાવ્યા મુજબ આ મામલો નીતિગત છે અને આના અંગે કોર્ટને નિર્ણય લેવાનો  અધિકાર નથી. કેન્દ્રીય સુરક્ષા બળોને અધિકારીઓ તરફથી અંકુર છીબ્બરે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર સુરક્ષા દળોમાં સેવા નિવૃતિ વયમાં ભેદભાવ રાખતી હોવાનો આરોપ લગાડેલ. છીબ્બરે જણાવેલ કે હવે જયારે મુખ્ય ન્યાયાલયે કેન્દ્ર સરકારની અરજી ફગાવી છે ત્યારે દિલ્હી હાઇકોર્ટનો જ આદેશ  લાગુ થશે.  આ આદેશ મુજબ કેન્દ્રીય બળોના દરેક કર્મીઓની સેવા નિવૃતિ ઉમર ૬૦ વર્ષ થશે.

(3:59 pm IST)