Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

૩૦ મે સુધી એરસ્પેસ બંધ રાખવા પાકિસ્તાનની જાહેરાત

સંબંધોમાં સુધારાનો અણસાર નહિ : સેનાના અને એરલાઇન્સના અધિકારીઓની બેઠકમાં નિર્ણય

નવી દિલ્હી તા. ૧૬ : પાકિસ્તાને પોતાની એર સ્પેસ ૩૦મી મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.ભારતમાં નવી સરકારનું ગઠન નહીં થાય ત્યાં સુધી સ્થિતિ યથાવત રાખવા પાકિસ્તાને નિર્ણંય કર્યો છે

ઙ્ગઅત્રે ઉલ્લેખનીય છે કે ૨૬મી ફેબ્રુઆરીના રોજ ભારતે બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પોતાની એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. ૨૭મી માર્ચે પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને કુલાલમપુર આવનારી ફલાઇટ્સ સિવાય તમામ ફલાઇટ માટે એરસ્પેસ ખોલી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં સેનાના અધિકારીઓ અને એરલાઇન્સ વિભાગ વચ્ચે યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય વિમાનો માટે ૩૦મી મે સુધી એરસ્પેસ બંધ રાખવામાં આવશે. પાકિસ્તાન સરકારે દેશના એરમેનને આ નિર્ણયથી અવગત કરાવ્યા છે અને તમામ વિમાન કંપનીઓના પાયલટને સૂચના આપવામાં આવી છે કે એરસ્પેસનું કેવી રીતે પાલન કરવું. અધિકારીઓએ નક્કી કર્યુ છે કે આ દિશામાં ૩૦મી મેના રોજ વિચાર કરવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે. આ સ્થિતિમાં આગામી થોડા સમય દરમિયાન પણ આ સંબંધોમાં સુધારો થવાના અણસાર જોવા મળે તેમ નથી. આ સ્થિતિમાં પાકિસ્તાન નવી સરકાર બનવાની રાહ જોઈ રહ્યું છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે બેંગકોક અને કુલાલમપુરની ફલાઇટના નિર્ણયના પગલે અમારે કરોડો રૃપિયાની નુકસાની વેઠવી પડી રહી છે. અધિકારીએ કહ્યું કે જો બસ અને ટ્રેન મારફતે ભારત જઈ શકાતું હોય તો હવાઇ માર્ગે કેમ નહીં.

પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાના કારણે યૂરોપ અને પૂર્વમાં જનારી અનેક ફલાઇટ્સ પર ઘણી અસર થઈ રહી છે. પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાના કારણે રૃટ લંબાયો છે અને તેના કારણે એરલાઇન્સના ખર્ચમાં પણ વધારો થયો છે. આ સ્થિતિમાં એરલાઇન્સ દ્વારા ટિકિટના દર પણ વધારવામાં આવ્યા છે.(૨૧.૫)

(11:23 am IST)