Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટકમાં કાલે ૧૨.૩૯ વાગ્યે શપથવિધી

હું મુખ્યમંત્રી પદના શપથ લઇશઃ ભાજપના વિધાનસભાના પક્ષના નેતા બન્યા પછી યેદિયુરપ્પાની જાહેરાત : રાજકીય ગતિવિધિ તેજ : કાવાદાવા અને ખરીદ-વેચાણ ચરમસીમાએઃ વજુભાઇ કીંગમેકર

બેંગ્લોર તા. ૧૬ : રાજ્યપાલ વજુભાઇ વાળાએ હજુ સુધી નિર્ણય કર્યો નથી, પરંતુ યેદિયુરપ્પા કહે છે કે, કાલે હું શપથ લઇશ.

દરમિયાન સૂત્રો કહે છે કે, કાલે બપોરે ૧૨.૩૯ વાગ્યે ભાજપ શપથ લેશે. આ અંગેની જાહેરાત આજે સાંજે ૪.૩૦થી પાંચ વાગ્યા સુધીમાં થશે.

કર્ણાટકમાં સત્તા માટે ભાજપ અને જનતા દળ (એસ)-કોંગ્રેસ દ્વારા મરણિયા પ્રયાસો શરૂ થઈ ગયા છે. આજે ત્રણેય પક્ષોએ પોતપોતાના વિધાનસભા પક્ષની બેઠકો બોલાવી હતી. ભાજપના વિધાનસભા પક્ષની બેઠકમાં બી.એસ. યેદિયુરપ્પાને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. યેદિયુરપ્પા નેતા તરીકે ચૂંટાયા બાદ ભાજપના ૧૦૪ ધારાસભ્ય સાથે રાજયના રાજયપાલ વજુભાઈ વાળાને મળવા ગયા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

યેદિયુરપ્પા સાથે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પણ રાજયપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા. યેદિયુરપ્પાએ રાજયપાલ સમક્ષ તમામ ધારાસભ્યોની ઓળખ પરેડ કરાવીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. આ અગાઉ પણ ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા બાદ યેદિયુરપ્પાએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે હું આવતી કાલે મુખ્યપ્રધાન તરીકે શપથ લઈશ.

દરમિયાન કોંગ્રેસના ચાર ધારાસભ્યો વિધાનસભા પક્ષની બેઠકમાં હાજર નહીં રહેતા અનેક તર્કવિતર્કો વહેતા થયા હતા. એવી અફવાઓ વહેતી થઈ હતી કે આ ગેરહાજર રહેલા ચાર ધારાસભ્ય ભાજપની પાટલીમાં બેસી ગયા છે. જોકે કોંગ્રેસે એવો દાવો કર્યો હતો કે આ ચાર ધારાસભ્ય અન્ય કોઈ પક્ષના સંપર્કમાં નથી અને પક્ષ તેમને લેવા માટે બીદર અને કલબુર્ગીમાં હેલિકોપ્ટર મોકલશે.

ત્યાર બાદ એવા પણ અહેવાલો મળ્યા છે કે જનતાદળ (એસ) વિધાનસભા પક્ષની બેઠકમાં પણ બે ધારાસભ્ય લાપત્તા બન્યા છે. યેદિયુરપ્પા ૧૦૪ ધારાસભ્ય સાથે રાજયપાલને મળ્યા બાદ વજુભાઈ વાળા સૌ પ્રથમ યેદિયુરપ્પાને સરકાર રચવા આમંત્રણ આપશે.

આ પહેલાના અહેવાલો નીચે મુજબ છે.

કર્ણાટકમાં સતા કબ્જે કરવાનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે કોંગ્રેસના ૧૨ અને જનતાદળ એસના બે ધારાસભ્યો અચાનક લાપતા બની જતા મોટો ખળભળાટ સર્જાયો છે.

કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને અકબંધ રાખવા બેંગ્લુરૂના ''ઇંગલટન રિસોર્ટ''માં ૧૦૦રૂમ બુક કર્યા છે.

ન્યુઝ ફર્સ્ટના હેવાલ મુજબ કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં ૭૮ માંથી ૬૬ ધારાસભ્યો માંડ પહોંચ્યા છે.

દેવગોૈડાના જનતાદળ એસના પણ એજ હાલ છે. તેમના ચંુંટાયેલા વિધાનસભ્યો એક હોટલમાં મળ્યા છે જેમાં બે ધારાસભ્યોનો પતો નથી.

કોંગ્રેસે તેમના ધારાસભ્યો સાથે ભાજપ સતત સંપર્કમાં છે, ખેડવવા પ્રયાસો કરી રહયાના આક્ષેપો કર્યા છે.

ભાજપ પાસે ૧૦૪ વિધાનસભ્યો છે અને કોંગ્રેસ અને જનતાદળ એસ પાસે કુલ મળીનીે ૧૧૭ ધારાસભ્યો છે.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહયું કે, બંધારણના રક્ષણ માટે ગર્વનરે પોતાના તમામ જુના સંબંધો અલગ રાખવા જોઇએ. તેમનો ઇશારો વજુભાઇ વાળાના ભાજપ મોદી સંઘની સાથેના નાતા તરફ હતો.

આઝાદે સ્પષ્ટ કહ્યુ કે, ભાજપને જે કરવુ હોય તે કરી લ્યે, અમારો કે જેડીએસનો કોઈ ધારાસભ્ય ભાજપ સાથે જશે નહિં. જો કે કોંગ્રેસના ૧૨ અને જનતા દળ એસના ૨ ધારાસભ્યો પોતપોતાના કેમ્પમાંથી લાપત્તા હોવાના હેવાલોએ ખળભળાટ મચાવ્યો છે તે અલગ વાત છે.

દરમિયાન 'આજતક' ચેનલના હેવાલ મુજબ કર્ણાટકમાં કોંગ્રેસ-જનતાદળ એસને આમંત્રણ નહિ મળે તો ખૂન-ખરાબા સર્જાશે તેવી ખૂલ્લી ધમકી આપી છે અને કહ્યું છે કે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડી રહ્યો છે. કોંગ્રેસના ગુલામ નબી આઝાદને ટાંકીને આ અહેવાલ જણાવે છે કે, સરકાર રચવા આમંત્રણ નહિ મળે તો ખૂની સંઘર્ષ માટે તૈયાર રહેજો.

(3:23 pm IST)