Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રણમાં આવ્યું પૂર :UAEમાં વીજળીના ચમકારા વચ્ચે મુશળધાર વરસાદ સાથે ભારે કરા ખાબક્યા

અસાધારણ હવામાન: યુએઈ અને આસપાસના દેશોમાં ભારે વરસાદ, વાવાઝોડાથી ઓમાન પૂરમાં મૃત્યુઆંક વધીને 18 થયો :અબુ ધાબી ઉપરાંત દુબઈ અને અલ આઈન જેવા વિવિધ શહેરોમાં વીજળીના ચમકારા અને ગર્જના સાથે તૂટક તૂટક ભારે વરસાદ.

દુબઈ. ગલ્ફના આરબ દેશોમાં ભાગ્યે જ વરસાદ પડતો હોય છે, પરંતુ સંભવતઃ યુએઈના જુદા જુદા ભાગોમાં મૂશળધાર વરસાદ ચાલુ રહે છે તે હવામાન પરિવર્તનની અસર છે. અહીં અબુ ધાબી, દુબઈ અને અલ આઈન જેવા મોટા શહેરોમાં સોમવાર રાતથી વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે રણની જમીનો પણ છલકાઈ ગઈ છે. આને ધ્યાનમાં રાખીને UAEના ક્રાઉન પ્રિન્સે સરકારી કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની જાહેરાત કરી છે.

   ગલ્ફ ન્યૂઝના અહેવાલમાં જણાવાયું છે કે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં મધ્યમ પૂરની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે મોડી રાત્રે શારજાહ અને અલ આઈનમાં વીજળી સાથે ભારે વરસાદ થયો હતો. આ દરમિયાન ઘણી જગ્યાએ ભારે કરા પણ પડ્યા હતા.

   દરમિયાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા લોકોએ દુબઈ અને અલ આઈન સહિત વિવિધ ભાગોમાં ભારે વરસાદ, કરા અને ગાજવીજના વીડિયો શેર કર્યા છે

   હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર સુધી વધુ વરસાદની સંભાવના છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર (NCM) એ જણાવ્યું કે હવામાન અસ્થિર રહેશે અને આકાશ આંશિક વાદળછાયું રહેશે. મધ્યમથી ભારે વરસાદ ઉપરાંત, કેટલાક સ્થળોએ વીજળી અને ગાજવીજ સાથે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. 

   આ મુશળધાર વરસાદને ધ્યાનમાં રાખીને, ક્રાઉન પ્રિન્સ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ શેખ અમ્મર બિન હુમૈદ અલ નુઈમીએ નિર્દેશ આપ્યો છે કે અજમાન સરકારી કર્મચારીઓ મંગળવાર, 16 એપ્રિલ, 2024 થી ગમે ત્યાંથી કામ કરવા માટે મુક્ત રહેશે. હવામાન આ છૂટ અજમાન અમીરાતના તમામ સરકારી વિભાગોના કર્મચારીઓને આપવામાં આવી છે. જો કે, તેમાં એવા કર્મચારીઓનો સમાવેશ થતો નથી કે જેમને કાર્યસ્થળ પર હાજર રહેવું જરૂરી છે.

(11:48 pm IST)