Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અમે એવું નથી કહી રહ્યા કે ઈવીએમમાં ​​છેડછાડ થઈ રહી છે, અથવા કરવામાં આવી છે: અમે કહીએ છીએ કે તેમની સાથે છેડછાડ થઈ શકે છે. "ઈવીએમ અને વીવીપેટ" બંનેમાં પ્રોગ્રામેબલ ચિપ હોય છે: સુપ્રીમમાં પ્રશાંત ભૂષણની જોરદાર દલીલો

પ્રશાંત ભૂષણે કહ્યું કે ઈવીએમ બનાવતી બે પીએસયુ (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કંપની)ના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ભાજપના સભ્યો છે: સમસ્યાનું સમાધાન લાવવા ત્રણ રીતો સૂચવી

નવી દિલ્હી: વીવીપેટ સ્લિપ અને એવીએમ ઉપર સુપ્રીમ કોર્ટમાં પહેલી સુનાવણી: અરજદારના એડવોકેટ પ્રશાંત ભૂષણે જોરદાર દલીલો કરી હતી.

સુપ્રીમ કોર્ટ, વીવીપેટ સ્લિપના ૧૦૦ ટકા મેચિંગની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી છે. આગામી સુનાવણી ગુરુવારે થશે. ગુરુવારે ચૂંટણી પંચ આ મામલે પોતાનું વલણ રજૂ કરશે.

બીબીસીના અહેવાલ મુજબ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે સુપ્રીમમાં આ અરજી દાખલ કરી છે. આ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું, “અમે એવું નથી કહી રહ્યા કે ઈવીએમમાં ​​છેડછાડ થઈ રહી છે, અથવા કરવામાં આવી છે. અમે કહીએ છીએ કે તેમની સાથે છેડછાડ થઈ શકે છે.  "ઈવીએમ અને વીવીપેટ બંનેમાં પ્રોગ્રામેબલ ચિપ હોય છે."

આ સિવાય પ્રશાંત ભૂષણે કહ્યું કે ઈવીએમ બનાવતી બે પીએસયુ (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ)ના  બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ભાજપના સભ્યો છે.

"આજે, માત્ર પાંચ EVM મશીનોની VVPAT સ્લિપ મેચ થાય છે, જે એક વિધાનસભા મતવિસ્તારમાં ૨ ટકા છે," તેમણે કહ્યું.

તેમણે એમ પણ કહ્યું કે ઘણા દેશોમાં આખે આખી ચૂંટણી બેલેટ પેપર દ્વારા જ કરવામાં આવે છે.

 સુપ્રીમ કોર્ટની બેન્ચે આ તબક્કે પૂછ્યું હતું કે, "જર્મનીની વસ્તી કેટલી છે?" કોર્ટે કહ્યું કે આ દેશોની વસ્તી ઓછી છે અને તેની સાથે ભારતની તુલના કરવી બરાબર નથી.

આ તકે પ્રશાંત ભૂષણે સૂચવ્યું કે સમસ્યાનું સમાધાન લાવવા ત્રણ રીતો છે.

પ્રથમ - મતદાન માટે બેલેટ પેપરની પ્રક્રિયા ઉપર પાછા જવું.

બીજું - મતદારોએ વીવીપેટ સ્લિપ મેળવવી જોઈએ અને પછી તેને મતપેટીમાં જમા કરાવવી જોઈએ અને પછી સ્લિપની ગણતરી કરવી જોઈએ.

 

ત્રીજું- જ્યાંથી વીવીપેટ ચિટ્સ જનરેટ થાય છે તે જગ્યાએ કાચને પારદર્શક રાખવો જોઈએ અને પછી તેની ગણતરી કરવી જોઈએ.  હાલમાં, જ્યારે વીવીપેટ સ્લિપ કાચ પર જનરેટ થાય છે, ત્યારે તે માત્ર સાત સેકન્ડ માટે જ દેખાય છે.

 

વિશેષ સુનાવણી ગુરુવારે હાથ ધરાશે.

(8:41 pm IST)