Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ભાવનગરમાં શરૂ થશે મિલ્‍ક બેંક : નવજાતને પાવડરની જરૂર નહીં પડે

માતાનું ધાવણ સ્‍ટોર કરવામાં આવશે : મિલ્‍ક બેન્‍ક નવજાત શિશુઓ સ્‍તનપાન કરી શકતા નથી તેના માટે આશીર્વાદ સમાન બની રહેશે

નવી દિલ્‍હી તા. ૧૬ : ભાવનગર શહેરમાં સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્‍ક બેન્‍ક શરૂ કરવામાં આવશે. જેમાં માતાનું ધાવણ સ્‍ટોર કરવામાં આવશે. મિલ્‍ક બેન્‍ક નવજાત શિશુઓ સ્‍તનપાન કરી શકતા નથી તેના માટે આશીર્વાદ સમાન બની રહેશે. ભાવનગર શહેરની રોટરી ક્‍લબ સંચાલિત હાલની જનાના અને અદ્યતન સુવિધા સાથે મિલ્‍ક બેન્‍ક શરૂ થવાની છે. આ બેન્‍ક શરૂ થતા બાળકોને પાવડર વાળુ દૂધ આપવું પડશે નહીં. આગામી દિવસોમાં બેંક શરૂ થશે. બાદ કેવી રીતે માતાનું ધાવણનું વિતરણ કરવામાં આવશે? કોને આપવામાં આવશે તે નિર્ણય કરાશે.

કુપોષણવાળા તેમજ ઓછા વજનવાળા બાળકોને પેટીમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત ધાવણ નહીં લઈ શકતા બાળકોને તેમજ જે માતાને ધાવણ આવતું નથી, તેવી માતાઓના બાળકોને પાવડરનું દૂધ આપવામાં આવે છે. જોકે મધર મિલ્‍ક બેન્‍ક બનવાથી આવા બાળકોને માતાનું દૂધ મળતા પોષણની ખોટ પૂરી શકાશે. તેમ રોટરી ક્‍લબના સંચાલક જીતેનભાઈ શાહે જણાવ્‍યું હતું. વધુમાં જણાવ્‍યું હતું કે, બાળકો માટે માતાનું ધાવણ મહત્‍વનું હોય છે. પરંતુ અમૂક નવજાત શિશુ કે જેમના માતા ન હોય તેઓને અન્‍ય માતાના ધાવણનું દૂધ જ મળે તે માટે સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્‍ક બેન્‍ક શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત અમુક માતાઓને દૂધ ન આવતું હોય તો તેમના શિશુને પણ મિલ્‍ક બેન્‍ક મારફત દૂધ અપાશે. જેથી નવજાત શિશુના વિકાસમાં ચૂક ન થાય. મિલ્‍ક બેન્‍કને લઈને પીડીયાટ્રીક વિભાગના હેડ ડો.પંકજ બુચે જણાવ્‍યું હતું કે, હ્યુમન મિલ્‍ક બેન્‍કમાં ડોનર માતાઓ દ્વારા એકત્ર કરાયેલા દૂધની સંપૂર્ણ ચકાસણી બાદ જ બાળકોને દૂધ આપવામાં આવશે.

કુપોષણ વાળા અને ઓછા વજનવાળા બાળકોને પેટીમાં રાખવામાં આવતા હોઈ છે. આ ઉપરાંત ધાવણ નહીં લઈ શકતા બાળકોને તેમજ જે માતાને ધાવણ આવતું નથી, તેવી માતાઓના બાળકોને પાવડર દૂધ અપાય છે. જોકે આવા બાળકોને માતાનું દૂધ મળતા પોષણની ખોટ પૂરી શકાશે.નવજાત શિશુઓને જો આ સંજોગોમાં માતાનું દૂધ મળે તો તેનું સ્‍વાસ્‍થ્‍ય ઝડપથી સારું થાય છે. વજન વધે છે અને તેમને નિયોનેટલ ઇનસેટિવ કેર યુનિટમાંથી ઝડપભેર રજા મળી જતી હોય છે.

કોઈપણ સ્‍વસ્‍થ અને નીરોગી પ્રસુતા માતા પોતાના વધારાનું દૂધ અથવા તો જેનું સંતાન જન્‍મ પછી બચી શક્‍યું નથી, તેવી માતાઓ પોતાના દૂધનું દાન કરી શકે છે. માતામાં આવતું ધાવણ કુદરતી રીતે જ તેના બાળકની જરૂરિયાત કરતા વધારે હોય છે. આથી દૂધદાન પછી પોતાના બાળકને ક્‍યારેય દૂધની કમી થતી નથી.

પોતાનું વધારાનું દૂધ નીકળી જવાથી દુધનો ભરાવો, પાક કે રસી જેવી સમસ્‍યાઓ પણ થતી નથી. રોટરી ક્‍લબ ઓફ ભાવનગર સમગ્ર સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ ભારતની સર્વશ્રેષ્ઠ કંપનીના ફુલ્લી ઓટોમેટિક સાધનો સાથે મધર્સ મિલ્‍ક બેંક, રોટરી અમૃતાલય, પ્રથમ માળ, ઘેવરીયા હોસ્‍પિટલ, પિલ ગાર્ડન સામે, પાનવાડી ભાવનગર ખાતે ટૂંક સમયમાં શરૂ કરશે.

(10:36 am IST)