Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ક્ષત્રિય આંદોલનની કતલની રાત જેવી ટ્રેજડી! રુપાલા ફોર્મ ભરે તે પહેલાં સમાધાન માટે છેલ્લી ઘડીએ પ્રયાસ !!

મુખ્યમંત્રી,પ્રદેશ પ્રમુખ,ગૃહ મંત્રી દ્વારા રાજપૂત સમાજના અગ્રણીઓને રીઝવવા કરશે અંતિમ પ્રયાસો કે નમતું જોખી કરશે સુખદ સમાધાન? મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્વની બેઠક

રાજકોટ લોકસભા બેઠક પરથી 16 એપ્રિલે પરશોત્તમભાઈ  રુપાલા પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરશે. જોકે તે પહેલાં ક્ષત્રિય આંદોલનને સમેટવા માટે ભાજપે ઓપરેશન સમાધાન ચાલવ્યું છે. રાજકોટ લોકસભા બેઠક પરથી 16 એપ્રિલ મંગળવારના રોજ પરશોત્તમભાઈ  રુપાલા પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરશે. જોકે તે પહેલાં ક્ષત્રિય આંદોલનને સમેટવા માટે ગુજરાત ભાજપના દિગ્ગજોએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સોમવાર મોડી રાતથી બેઠકોનો ધમધમાટ શરુ કર્યો છે.

ક્ષત્રિય આંદોલન પૂર્ણ થવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે. પરશોત્તમભાઈ  રૂપાલા આવતી કાલે જ્યારે લોકસભાની રાજકોટ બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલા ડેમેજ કંટ્રોલ કરવાનો સૌથી મોટો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રુપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ બંધબારણે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવે છે કે ભાજપનો પ્રયાસ રહેશે કે ઘીના ઠામમાં ઘી પડ્યું રહે અને ક્ષત્રિય સમાજનું આ આંદોલન સમેટાઈ જાય.

ગોતામાં આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક થઈ હતી. જે બાદ સંકલન સમિતિના આગેવાનો પણ મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા હતા. મહત્વનું છે કે જ્યારે ક્ષત્રિય સમાજના વિરોધ અંગે સી.આર. પાટીલને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હું, હર્ષ સહિત અમે બધા તેમની સાથે સંપર્કમાં છીએ. અમારી આગેવાનો સાથે વાતચીત ચાલી રહી છે. આ મામલે સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયત્નો છે. અમે આ બાબતે ગંભીર છીએ

આજની આ બેઠકો એટલા માટે પણ મહત્વની બની રહેવાની છે કે મંગળવારે પરશોત્તમ રુપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા પરશોત્તમભાઈ  રૂપાલા જંગી જનસભાને સંબોધશે. જે માટે રાજકોટમાં અગાઉથી જ તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. પરશોત્તમ રુપાલા આ જનસભા રાજકોટના બહુમાળી ચોક ખાતે સંબોધિત કરશે. ત્યાર બાદ બહુમાળી ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી રોડ-શો પણ યોજશે

(1:17 am IST)