Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કાશ્મીરમાં ફરીથી ચાલુ થયુ 'કૃષ્ણા ધાબા'

થોડા દિવસ પહેલા જ આતંકવાદીઓએ ધાબા માલિકના પુત્રની કરી હતી હત્યા

જમ્મુ, તા. ૧૬ :. શ્રીનગરની વચ્ચોવચ આવેલ કૃષ્ણા ધાબા ફરીથી ચાલુ થઈ ગયું છે. ધાબા માલિકના પુત્રની આતંકવાદીઓએ થોડા દિવસો પહેલા હત્યા કરી હતી. ધાબા ખોલ્યા પછી ધાબા માલિકે એ બયાન આપીને સૌને ચોંકાવી દીધા હતા. જેમા તેણે કહ્યુ હતું કે સરકાર ઈચ્છે તો તેના પુત્રના હત્યારાઓને છોડી દે. આ બયાન પછી નવી ચર્ચા અને રાજકારણ શરૂ થઈ ગયુ છે.

આમ તો બધાને એમ લાગતુ હતુ કે કાશ્મીરમાં હવે ભાગ્યે જ કૃષ્ણા ધાબા શરૂ થશે, પણ આ પરિવાર હિંમત હાર્યા વગર તેને ફરીથી ખોલીને લોકોને એ સંદેશ આપ્યો કે તેઓ કાશ્મીર કયારેય છોડવાના નથી. ભોજનાલયના માલિક રમેશકુમારે કહ્યું કે આજે ફરીથી તેમણે પોતાનું કામ શરૂ કર્યુ છે. તે અહીં સુરક્ષિત છે અને આ એ જગ્યા છે જ્યાં તેમનો જન્મ થયો હતો અને મોટા થયા હતા.

આમ તો કાશ્મીરમાં વસતા લઘુમતિઓ પર ૯૦ના દાયકાથી જ હુમલાઓ કરીને તેમને કાશ્મીર છોડવા મજબુર કરાયા હતા પણ કેટલાય એવા પરિવારો છે જે પોતાના મજબુત ઈરાદાઓ સાથે આજે પણ કાશ્મીરમાં રહીને આતંકવાદીઓ જડબાતોડ જવાબ આપી રહ્યા છે. તેમા હવે શ્રીનગરના વિખ્યાત કૃષ્ણા ધાબાનું નામ પણ ઉમેરાયુ છે. આ ધાબાને ચલાવનાર પરિવારના એક સભ્યને ફેબ્રુઆરીમાં આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. મંગળવારે ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે માલિક રમેશકુમારે ભોજનાલય ખોલીને એ સંદેશ આપ્યો છે કે, કોઈપણ હુમલો તેમના ઈરાદાઓને નબળા નહીં કરી શકે. એમનું આટલુ બયાન જ આતંકવાદીઓ અને અલગતાવાદીઓને સંદેશ આપે છે કે હવે ૯૦ના દાયકાનો સમય નથી. આ નવું જમ્મુ કાશ્મીર છે. અહીં આતંકવાદીઓ અને ટેકેદારો માટે કોઈ સ્થાન નથી. હવે ગમે તેવા હુમલા થાય અહીંથી કોઈ જવાનુ નથી. હવે તો અહીંથી જે પરિવારો ચાલ્યા ગયા હતા તેમને પણ ફરીથી કાશ્મીરમાં લાવવામાં આવી રહ્યા છે.

(3:19 pm IST)