Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

દર્દીના મૂડ પર અસર કરી રહ્યો છે કોરોનાઃ માનસિક સ્વાસ્થ્ય પર થઇ રહી છે અસર !

કોરોનામાંથી બહાર આવ્યા પછી કેટલાક દર્દીમાં ઉંઘ નહીં આવવી, તણાવ, માથામાં દુઃખાવો, યાદશકિત ગુમાવવી, માનસિક અસ્પષ્ટતા જેવી બીમારીઓ જોવા મળી રહી છે : કોરોનામાંથી બહાર આવ્યા પછી નડતી સમસ્યાની સારવાર માટે કિલનિક પણ ખુલવા જરૂરી

હૈદરાબાદ તા. ૧૬ : હેલ્થ એકસપર્ટ્સના જણાવ્યા મુજબ, કોરોના વાયરસમાંથી બહાર આવેલા લગભગ ૩૫% લોકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના કારણે લોકોના મૂડ પર અસર થઈ છે, કેટલાંક લોકોને ખરાબ સપના આવે છે તો કેટલાંક લોકોમાં અજાણ્યો ડર જોવા મળી રહ્યો છે. જયારે કેટલાંકના મૂડમાં તણાવ પણ જોવા મળી રહ્યો છે.

હૈદરાબાદના ન્યૂરોસર્જનના જણાવ્યા મુજબ, કોરોના વાયરસની મહામારીમાં જયાં એકબાજુ દર્દીના શરીરમાં ગંધ અને સ્વાદ પારખવાની શકિત ગુમાવવા જેવા લક્ષણ જોવા મળ્યા છે ત્યાં બીજી બાજુ કોરોનામાંથી બહાર આવ્યા પછી કેટલાંક દર્દીઓમાં ઊંઘ નહીં આવવી, તણાવ, માથામાં દુઃખાવો, યાદશકિત ગુમાવવી અને માનસિક અસ્પષ્ટતા જેવી બીમારીઓ જોવા મળી રહી છે.

કોરોનામાંથી બહાર આવેલા દર્દીઓમાં જે અન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે તેમાં થાક લાગવો, કામમાં કંટાળો આવવો, શરીર તૂટવું, આંખની સમસ્યા નડવી છે. આ ડોકટરે વધુ વાત કરતા જણાવ્યું કે કોરોનામાંથી બહાર આવ્યા પછી નડતી સમસ્યાના કિલનિક પણ ખુલવા જરૂરી છે. જયારે અન્ય એક ડોકટરે વાત કરતા જણાવ્યું કે કોરોનાના ૫૦ ટકા દર્દીઓમાં સામાન્ય જોવા મળતા લક્ષણોમાં શારીરિક નબળાઈ, માથામાં દુૅંખાવો જોવા મળે છે. આ સિવાય કેટલાંક દર્દીઓમાં ચક્કર આવવા, સ્વાદ અને ગંધ પારખવાની શકિત ગુમાવવી જેવા લક્ષણ સ્પષ્ટ જોવા મળે છે.

(10:29 am IST)