Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ગુજિયા-કોફીની પાર્ટી કરતા બે પાયલટ ઓફ રોસ્ટર

પાયલોટ્સે ફ્લાઈટ ડેકના કન્સોલ પર ઉજવણી કરી ઃ ગુવાહટી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બે પાયલટે ૩૭ ફૂટની ઊંચાઈ પર અનુચિત હરકત કરી

નવી દિલ્હી, તા.૧૬ ઃસ્પાઈસજેટે તેના બે પાઈલટને ફ્લાઈંગ ડ્યુટીમાંથી હટાવી દીધા છે. હોળીના દિવસે આ બંને પાઈલટ ફ્લાઇટ ડેકના સેન્ટર કન્સોલ પર ગુજિયા અને કોફીનો ગ્લાસ મૂકીને હોળીની મજા માણી રહ્યા હતા એ પણ ૩૭ હજાર ફૂટની ઊંચાઈએ ચાલુ ઉડાન દરમિયાન. આ મામલે સ્પાઈસ જેટના અધિકારીઓનું કહેવું છે કે બંને પાઈલટોએ આમ કરીને ફ્લાઈટના મુસાફરોની સલામતીને જોખમમાં મૂકી દીધી હતી. આ ઘટના હોળીના દિવસે દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બની હતી. બંને પાયલટને રોસ્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. સ્પાઈસ જેટ એરલાઇન્સના એક પ્રવક્તાએ કહ્યું કે, 'કોકપિટની અંદર ખાવાનું લઈ જવાને લઈને કંપનીની ખુબ જ કડક પોલિસી છે. આ પોલિસીનું પાલન દરેક કૃ મેમ્બરે કરવાનું હોય છે.' તેમણે વધુ જણાવતા કહ્યું કે, તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારસુધી બંને પાઈલટને ઓફ રોસ્ટર કરવામાં આવ્યા છે. કન્સોલ પર રાખેલ ગ્લાસ જો જરાક પણ છલક્યો હોત તો તેના કારણે વિમાનની સુરક્ષા જોખમાઈ શકે તેમ હતી.  જે સમયે બંને પાઈલટ કોફી અને ગુજિયાની મજા માણી રહ્યા હતા તે સમયે વિમાન ૩૭ હજાર ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. ફોટો વાયરલ થતા ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશને એરલાઇનને નિર્દેશ આપ્યો હતો કે તે આ પાઈલટોની તરત જ ઓળખ કરી એક્શન લેવામાં આવે. આ સાથે કેટલાંક સિનિયર પાઈલટોએ પણ આવી બેદરકારીથી હોળીની ઉજવણી કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ફ્લાઈટમાં આવી બેદરકારી ન થવી જોઈએ. જેના કારણે મુસાફરોનું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે.

 

 

(7:13 pm IST)