Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

એમપી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાની કેજરીવાલની જાહેરાત

કોંગ્રેસ અને ભાજપનું ટેન્‍શન વધારતા આપના સુપ્રીમો

ભોપાલ,તા.૧૬: મધ્‍ય પ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાની કેજરીવાલની જાહેરાતથી ફક્‍ત કોંગ્રેસ જ નહીં પણ ભાજપનું પણ ટેન્‍શન વધી ગયું છે. મધ્‍ય પ્રદેશની સ્‍થાનિક ચૂંટણીમાં કેજરીવાલ કરિશ્‍મા સામે શિવરાજ ચૌહાણ પણ નિષ્‍ફળ ગયા હતા.

મધ્‍ય પ્રદેશમાં ગયા વર્ષે જુલાઈમાં સ્‍થાનિક કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કેજરીવાલના આપના ઉમેદવાર પણ ચૂંટણી લડ્‍યા હતા. સિંગરોલી ચૂંટણી માટે ખુદ અરવિંદ કેજરીવાલ પ્રચાર કરવા માટે આવ્‍યા હતા. જયારે અહીં જ મધ્‍ય પ્રદેશના મુખ્‍ય પ્રધાન શિવરાજ ચૌહાણ પણ પ્રચાર કરી ગયા હતા. છતાં આ બેઠક પર આપના ઉમેદવાર જીતી જતા ભાજપને શરમજનક પરિસ્‍થિતિનો સામનો કરવો પડ્‍યો હતો.

સૂત્રો મુજબ સ્‍થાનિક કોર્પોરેશનની ચૂંટણીમાં કેજરીવાલના જાદુ સામે શિવરાજનું કંઈ ચાલ્‍યું નહોતું. અહીં શહેરી વિસ્‍તારની સ્‍થાનિક કોર્પોરેશનની ચૂંટણીમાં આપને ૬.૩ ટકા મત મળ્‍યા હતા. તેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલ ભાજપ માટે મુશ્‍કેલી ઊભી કરી શકે છે એવી ચિંતા પક્ષના મોવડીગણને સતાવી રહી છે.

(3:27 pm IST)