Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

પુણેમાં ધો.૧૦માં ભણતી વિદ્યાર્થિનીનું હાર્ટએટેકથી મોત

નાની ઉંમરમાં હૃદયરોગના હુમલાનો વધુ એક કિસ્‍સો

મુંબઈ,તા. ૧૬: પુણેમાં ધો.૧૦માં ભણતી વિદ્યાર્થિનીનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી નાની વયના લોકોમાં હાર્ટ અટેકના કેસો વધી રહ્યા છે ત્‍યારે વધુ એક કેસ મુંબઈમાં બન્‍યો છે.

પુણેમાં ધો.૧૦માં ભણતી વિદ્યાર્થિનીનું હાર્ટ અટેકને લીધે મૃત્‍યુ થયાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થિની ૧૨મી માર્ચે રંગપંચમી મનાવીને આવ્‍યા બાદ પોતાની મૈત્રિણી સાથે વાતો કરીને બેઠી હતી ત્‍યારે જ અચાનક તેને હૃદયનો હુમલો આવતાં મૃત્‍યુ પામી છે. આ દીકરીની ધો.૧૦ની છેલ્લી પરીક્ષા બાકી હતી.

પુણેના ઈંદાપુર તાલુકાના એક ગામમાં સૃષ્ટી નામની આ ૧૬ વર્ષીય વિદ્યાર્થિની ૧૨ માર્ચે ઉત્‍સાહભેર રંગપંચમી રમી રહી હતી. રંગપંચમી રમાઈ ગયા બાદ તે પોતાની મૈત્રિણી સાથે ગપ્‍પા મારીને બેઠી હતી. તે દરમ્‍યાન સાંજે અચાનક છાતીમાં દુઃખાવો થયો અને એટલો તીવ્ર હુમલો આવ્‍યો કે કોઈને કંઈ સમજાય તે પહેલાં જ પ્રાણ પંખેરૂ ઉંડી ગયું હતું.

જોકે, તેને ડોક્‍ટર પાસે લઈ જવામાં આવી પરંતુ ડોક્‍ટરે તેને મૃત ઘોષિત કરી હતી. ૧૩મી તારીખે આ વિદ્યાર્થિનીનું ધો.૧૦નું છેલ્લું પેપર હતું. પરંતુ તે પહેલાં જ તે મૃત્‍યુ પામી જતાં દીકરીની યાદમાં આખા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

અત્‍યારે ભાગદોડ ભર્યા જીવનમાં ગત કેટલાંક સમયથી હાર્ટ અટેકનું પ્રમાણ વધ્‍યું છે. અયોગ્‍ય આહાર, બદલાતી જીવનશૈલી, સતત ભાગદોડ વગેરેને કારણે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં બ્‍લોકેજ થાય છે અને તેથી હાર્ટ અટેકનું પ્રમાણ વધે છે.

(1:05 pm IST)