Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

જયપુરની આંગડિયા પેઢી લૂંટ કેસમાં એક સાગરિત જબ્બે

પાટણ એસઓજી-એલસીબી પોલીસનું ઓપરેશન : ૧૦ માર્ચે જયપુરની આંગડિયા પેઢીમાં ઘૂસીને બંદૂકની અણીએ ૪૫ લાખની લૂંટ કરી ટોળકી ફરાર થઈ ગઈ હતી

પાટણ, તા. ૧૬ : રાજસ્થાનના જયપુર ખાતે આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ રૂ. ૪૫ લાખની લૂંટ ચલાવનાર ટોળકીનો એક સાગરિત રૂ. ૨૨.૫૦ લાખની રકમ સાથે પાટણ એસ..જી પોલીસ અને એલસીબી પોલીસના હાથે ઝડપાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બાબતે પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ ગત તારીખ ૧૦ માર્ચના રોજ રાજસ્થાનના જયપુર ખાતે આંગડિયા પેઢીમાં ટોળકીએ ઘૂસી બંદૂકની અણીએ રૂ. ૪૫ લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા.

બાબતની આંગડિયાના માલિક દ્વારા રાજસ્થાન જયપુર નોર્થ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે લૂંટ ચલાવનાર ટોળકીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હતા ત્યારે પાટણ એલસીબી અને એસઓજી પોલીસે ટીમ બનાવીને હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસના ચક્રોગતિમાન બનાવતા લૂંટને અંજામ આપનાર અને બંદૂક બતાવી રૂ. ૪૫ લાખની લૂંટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના પાર્થ મહિપત ભાઈ વ્યાસ નામના વ્યક્તિને ચંદ્રુમાણા ગામેથી ઝડપી લઇ યુક્તિ-પ્રયુક્તિ પૂછપરછ કરતાં તેને રાજસ્થાનના જયપુર ખાતે આકાશ કાંતિ નામની આંગડિયા પેઢીમાં ૧૦મી માર્ચના રોજ બંદૂકની અણીએ રૂ. ૪૫ લાખની લૂંટ ચલાવી હોવાનું કબુલતાં લૂંટમાં તેના ભાગે આવેલી રૂ. ૨૨.૫૦ લાખની રકમ તેને પોતાના ચંદ્રુમાણા ખાતેના મકાન પાછળની દીવાલને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકની થેલીમાં સંતાડયા હોવાનું પોલીસ સમક્ષ જણાવતાં પોલીસે તપાસ કરતાં પ્લાસ્ટિકની થેલીમાંથી રૂ. ૨૨.૫૦ લાખની રકમ મળી આવી હતી જે પોલીસે કબજે કરી વધુ તપાસ અર્થે પાટણ પોલીસે આરોપી તેમજ મળેલ મુદ્દામાલને રાજસ્થાની જયપુર પોલીસને સોપવામાં આવ્યો હતો.

(8:13 pm IST)