Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

સ્ટેડિયમમાં આવવા હજારો દર્શકો પર પ્રતિબંધ પણ કુંભમાં લાખો શ્રદ્ધાળુઓને છૂટઃ દિગ્વિજય સિંહનું ટ્વીટ

દેશમાં ફરી વખત વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો વધારાઈ રહ્યા છે. કોરોના સંક્રમણના કેસમાં સતત વૃદ્ધિ થઈ રહી હોવાથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 સીરિઝની અંતિમ 3 મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આ નિર્ણયને લઈ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, સ્ટેડિયમમાં હજારો દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ ઉત્તરાખંડમાં લાખો શ્રદ્ધાળુઓને કુંભ આવવા સંપૂર્ણ છૂટ અપાઈ છે.

દિગ્વિજય સિંહે ટ્વીટમાં લખ્યું હતું કે, "કોવિડ-19ના વધતા પ્રકોપના કારણે T20 ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમમાં આવવા હજારો દર્શકો પર પ્રતિબંધ મુકાયો છે પરંતુ ઉત્તરાખંડમાં કુંભ માટે લાખો શ્રદ્ધાળુઓને છૂટ આપવામાં આવી છે. ધન્યવાદ."

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 મેચમાં દર્શકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ઉપરાંત સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડી રહ્યા હતા. આ કારણે ગુજરાત ક્રિકેટ અસોશિએશને સ્ટેડિયમમાં દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે.

(1:46 pm IST)