Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

નિર્ભયા કેસ :દોષિતોના હવાતિયાં : હવે ફાંસી રોકવા આંતરરાષ્ટ્રીય કોર્ટ પહોંચ્યા

ચારેય દોષીતો તરફથી વકીલે આંતરરાષ્ટ્રીય કોર્ટને પત્ર લખીને 20મીએ થનાર ફાંસી પર રોક લગાવવા માંગણી કરી

નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં ત્રણેય દોષિતોએ હવે ફાંસીની સજા વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) પહોંચ્યા છે. દોષિત પવન, અક્ષય અને વિનય તરફથી વકીલ એ.પી. સિંહે આંતરરાષ્ટ્રીય કોર્ટને એક પત્ર લખ્યો છે. પત્રમાં 20મી માર્ચના રોજ થનારી ફાંસી પર રોક લગાવવાની માંગણી કરાઈ છે

 આ પહેલા સોમવારે નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં દોષી મુકેશની અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી હતી. મુકેશે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને વરિષ્ઠ વકીલ વૃંદા ગ્રોવર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઢે કહ્યુ કે મુકેશની અરજી પર સુનાવણી યોગ્ય નથી. નોંધનીય છે કે વૃંદા ગ્રોવરે શરૂઆતમાં મુકેશના કેસની પેરવી કરી હતી. વર્ષ 2012માં નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યા મામલે મુકેશને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

   આ મામલે એ.પી.સિંહે કહ્યું કે આ કેસમાં રાજકીય દબાણ અને મીડિયાને કારણે ન્યાય નથી મળી રહ્યો. કોર્ટ આ વાત માની નથી રહી. મીડિયા ટ્રાયલને કારણે ન્યાય નથી મળી રહ્યો. જે લોકો ફાંસી નથી ઇચ્છી રહ્યા એ લોકોએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી છે. આપણી ન્યાય વ્યવસ્થા દરદર્શી રહી છે. અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે.
  વકીલ વૃંદા ગ્રોવર વિરુદ્ધ અરજી કરીને મુકેશે ફાંસીની સજાના હુકમનના અમલને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મુકેશે વૃંદા ગ્રોવર પર અપરાધિક ષડયંત્ર રચવા અને દગો આપવાનો આક્ષેપ લગાવ્યો છે.

           મુકેશે સર્વોચ્ચ કોર્ટમાં અરજી દાખલ કરીને સીબીઆઈ તપાસની માંગણી કરી છે. નોંધનીય છે કે પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં તમામ દોષિતો વિરુદ્ધ નવું ડેથ વૉરંટ કાઢ્યું છે. જે પ્રમાણે તમામને 20મી માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે.

         નિર્ભયા ગેંગરેપ મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. ફાંસીની સજા પામેલા ચારેય દોષિતોના પરિજનોએ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ઈચ્છામૃત્યુની અનુમતી માંગી છે. ઈચ્છામૃત્યુ માંગનારા લોકોમાં દોષિતોના વૃદ્ધ માતા-પિતા, ભાઈ-બહેન અને તેમના બાળકો સામેલ છે.        

        નિર્ભયાના દોષિતોના પરિજનોએ હિન્દીમાં રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું છે કે અમે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીડિતાના માતા-પિતાને વિનંતી કરીએ છીએ અમારા અનુરાધોને સ્વીકાર કરે અને અમને ઈચ્છામૃત્યુની મંજૂરી આપે. તેઓએ કહ્યું કે અમને ઈચ્છામૃત્યુ આપવાથી ભવિષ્યમાં થનારા કોઈ પણ અપરાધને રોકી શકાય છે. તેઓએ કહ્યું કે જો અમારા સમગ્ર પરિવારને ઈચ્છામૃત્યુ આપવામાં આવે છે તો નિર્ભયા જેવી બીજી ઘટના રોકી શકાય છે.

(11:33 pm IST)