Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

યસ બેન્કના તમામ ગ્રાહકો ફરીથી બેન્કિંગ સુવિધાનો લાભ ઉઠાવી શકશેઃ યસ બેન્કના શેરે શાનદાર વાપસી કરી

મુંબઇ: યસ બેંકમાં ખાતુ ધરાવનારાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જલ્દી જ યસ બેંક પોતાનું કામ શરૂ કરવાની છે. તેનો મતલબ એ થયો કે, હવે યસ બેંકના તમામ ગ્રાહકો ફરીથી બેંકિંગની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. આશા વ્યક્ત કરાઈ હતી કે, 50 હજાર રૂપિયા કાઢવાની મર્યાદા પણ દૂર થઈ જશે. સાથે જ પુર્નગઠન યોજનાને સરકારની મંજૂરી મળી ગયા બાદ સોમવારે સંકટગ્રસ્ત યસ બેંકના શેરમાં 58 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈમાં યસ બેંકના શેરે શાનદાર વાપસી કરીને 58.12 ટકાની છલાંગ લગાવી હતી. એનએસઈમાં પણ તેનો શેર 58.12 ટકા ઉછળીને 40.40 રૂપિયા પર રહ્યો. બીએસઈમાં તેના 112.78 લાખ શેરો તથા એનએસઈમાં 9.55 કરોડ શેરનો વેપાર થયો હતો.

બુધવારથી ચાલુ થશે બેંકિંગ

યસ બેંકે પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલથી નિવેદન જાહેર કરતા કહ્યું કે, બેકિંગનું કામ બુધવારે ફરીથી શરૂ થઈ જશે. બેંકે કહ્યું કે, 18 માર્ચ સાંજે 6 વાગ્યાથી બેંક સામાન્ય રૂપથી કામ કરવાનું શરૂ કરી દેશે. ગ્રાહકો માટે બેંકિંગ સેવાઓની સાથે જ ઈન્ટરનેટ અને ડિજીટલ સેવાઓ પણ ચાલુ કરી દેવાશે.

યસ બેંક મામલે અનિલ અંબાણીને નોટિસ

આ વચ્ચે યસ બેંક મામલામાં રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીને ઈડી દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, અંબાણીને યસ બેંકમાં મની લોન્ડ્રિંગ મામલામાં આ નોટિસ મોકલવામાં આવી છે. અહીં ઉલ્લેખ કરવો પડ કે, યસ બેંકે એક મોટી રકમ અનિલ અંબાણીના ગ્રૂપને લોન સ્વરૂપે આપી હતી. જેને રિલાયન્સ ગ્રૂપ ચૂકવી શકી ન હતી.

ઉલ્લેખનીય છે કે, 5 માર્ચના રોજ ભારતીય રિઝર્વ બેંકે યસ બેંકના નિર્દેશક મંડળનો ભંગ કરી દીધો હતો. સાથે જ બેંક માટે નિર્દેશકની નિયુક્તિ કરી દીધી હતી. બેંક પર લાગેલ પ્રતિબંધોએ ગ્રાહકોના હાથ બાંધી દીધા હતા. કેન્દ્રીય બેંકે આગામી આદેશ સુધી બેંકના ગ્રાહકો માટે નિકાસી સીમા 50,000 રૂપિયા નક્કી કરી હતી.

(5:15 pm IST)