Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

દુનિયાના ૧૫૭ દેશોમાં કોરોનાનો કહેર : ૬૫૦૦થી વધુના મોત : ઇટલીની બીજા વિશ્વ યુધ્ધ કરતાંય બદત્તર હાલત

દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૧.૬૯ લાખથી વધુ લોકો કોરોનાગ્રસ્ત

લંડન તા. ૧૬ : કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૧.૬૯ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે, જયારે ૬૫૦૦થી પણ વધુના મોત થઇ ચૂકયા છે. તેમાં ૩૨૦૦થી વધુ મોત ચીન અને ૧૮૦૦થી વધુના મોત તો માત્ર ઇટલીમાં જ થયા છે. પોપ ફ્રાન્સિસ પણ વેટિકનથી નીકળી રોમના ખાલી રસ્તાઓ પર નીકળ્યા હતા. તેમણે મહામારી ઝડપથી ખતમ થાય તે માટે પ્રાર્થના કરી હતી. ભારતમાં અત્યાર સુધીમાં ૧૧૨ લોકો તેનાથી સંક્રમિત થઇ ચૂકયા છે અને ૨ લોકોના મોત થઇ ચૂકયા છે.

ચીનના વુહાનથી ફેલાવાનું શરૂ થયેલા કોરોના વાયરસે હવે આખી દુનિયાને પોતાની ઝપટમાં લઇ રહ્યું છે. શરૂઆતમાં તેનો કહેર ચીન પર તૂટી પડ્યો હતો પરંતુ હવે કોરોનાનું નવું એડ્રેસ ઇટલી બની ગયું છે. પહેલાં તેનું કેન્દ્ર એશિયાનું ચીન હતું, પરંતુ હવે યુરોપનું ઇટલી સૌથી ખરાબ પ્રભાવિત થયું છે. હેરાનીની વાત તો એ છે કે ઇટલીમાં કોરોના વાયરસથી મરનારના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. એક જ દિવસમાં આટલા લોકોના મોત થઇ રહ્યા છે એટલા તો બીજા વિશ્વ યુદ્ઘમાં પણ એક દિવસની સરેરાશ નહોતી.

કોરોના વાયરસે ઇટલીને કેટલી ખરાબ રીતે જકડી લીધી છે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે રવિવારના રોજ અંદાજે ૨૪ કલાકની અંદર એટલે કે એક જ દિવસમાં ૩૬૮ લોકોના મોત થઇ ગયા છે. આ દુનિયાભરમાં કોરોના વાયરસથી એક દિવસમાં મોતનો સૌથી મોટો આંકડો છે. તેના એક દિવસ પહેલાં જ ૨૪ કલાકમાં ૨૫૦ લોકોના મોત થયા હતા, જે સૌથી મોટો આંકડો હતો. એટલે કે કોરોનાથી મોતના મામલામાં ઇટલી પોતાના જ રેકોર્ડ તોડી રહ્યું છે.

જો બીજા વિશ્વયુદ્ઘમાં એક દિવસમાં થયેલા સરેરાશ મોતને જોઇએ તો માહિતી મળે છે કે એક દિવસમાં અંદાજે ૨૦૭ લોકોના મોત થયો હતો, જયારે કોરોનાથી એક દિવસમાં પહેલાં ૨૫૦ અને પછીના એક દિવસમાં ૩૬૮ લોકોના મોત થયા. જો કે અંદાજે ૬ વર્ષ સુધી ચાલેલા બીજા વિશ્વ યુદ્ઘની કોરોના વાયરસ સાથે કોઇ તુલના થઇ શકે નહીં, પરંતુ ખરેખર સરેરાશ મોતોને જોતા એ જાણી શકાય છે કે કોરોના કેટલો ખતરનાક થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે બીજા વિશ્વ યુદ્ઘ ૧ સપ્ટેમ્બર ૧૯૩૯થી શરૂ થયું હતું અને ૨ સપ્ટેમ્બર ૧૯૪૫ સુધી એટલે કે અંદાજે ૬ વર્ષ (૨૧૯૪ દિવસ) ચાલ્યું હતું. આ સમગ્ર સમયગાળા દરમ્યાન ઇટલીમાં અંદાજે ૪,૫૪,૬૦૦ લોકોના મોત થયા હતા. એટલે કે એક દિવસમાં સરેરાશ ૨૦૭ લોકોના મોત થયા હતા.

જર્મનીએ કોરોના વાઈરસના ફેલાવાને લઈને પાંચ દેશ સાથેની બોર્ડર બંધ કરી દીધી છે. જેમાં ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝરલેન્ડ, ડેનમાર્ક અને લકઝમબર્ગનો સમાવેશ થાય છે. જર્મનીમાં પોઝિટિવ કેસની સંખ્યા ૪૮૩૮ થઈ છે. જાપાનમાં કોરોના વાઈરસના કુલ કેસ ૮૩૯ થયા અને મૃત્યુઆંક ૨૪ થયો છે.

અમેરિકામાં કોરોના વાઈરસને ટક્કર આપવા માટે શકય તેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સોમવાર સવાર સુધીમાં અહીં કુલ ૩,૭૩૭ કેસ સામે આવ્યા હતા. અહીં ૬૮ લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક સહિત ૨૯ રાજયોમાં પણ સ્કૂલ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. અમુક રાજયોમાં કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. નેવી શિપ યુએસએસ બોકસર પર એક સૈનિકને કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સના જણાવ્યા પ્રમાણે, સોમવારથી બે હજાર હાઈસ્પીડ લેબનું કામ શરૂ કરવામાં આવશે. તેનાથી ઈન્ફેકટેડ લોકોની ઓળખ અને સારવાર વધારે સરળ થઈ જશે. અહીં હેલ્થ ઈમરજન્સી પહેલાં જ જાહેર કરી દેવામાં આવી છે.

(3:55 pm IST)