Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

મધ્ય પ્રદેશ : બદલાતા ઘટનાક્રમ : કમલનાથને ૧૦ દિ'નું જીવતદાન : ૨૬મીએ ફલોર ટેસ્ટ : ભાજપ સુપ્રિમના દ્વારે

ભાજપના નેતા રાજભવન પહોંચ્યા : ૧૦૭ ધારાસભ્યોના ટેકાનો પત્ર સોંપ્યો : તુરંત ફલોર ટેસ્ટની માંગ :સુપ્રિમ કોર્ટમાં કાલે થશે સુનાવણી

ભોપાલ તા. ૧૬ : મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કાર્યવાહીને ૨૬ માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ૨૨ ધારાસભ્યોના રાજીનામા બાદ ઘેરાયેલ કમલનાથ સરકાર માટે આ રાહતના સમાચાર છે. અગાઉ પ્રદેશના રાજયપાલ લાલજી ટંડને સીએમ કમલનાથને કહ્યું હતું કે તેઓ ૧૬ માર્ચ એટલે કે સોમવારે વિધાનસભામાં પોતાનું બહુમત સાબિત કરે. પરંતુ વિધાનસભામાં રાજયપાલ લાલજી ટંડનના અભિભાષણ બાદ સદનની કાર્યવાહીને ૨૬ માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પરંતુ બહુમત પરીક્ષણનો મામલો હવે સુપ્રીમમાં પહોંચ્યો છે. બીજેપીએ મધ્યપ્રદેશની રાજકીય ધમાલ અંગે સુપ્રીમમાં અરજી દાખલ કરી છે. તેની સુનાવણી મંગળવારે થવાની શકયતા છે. શિવરાજસિંહ ચૌહાણે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો છે.

કોરોનાવાઈરસને પગલે મધ્ય પ્રદેશની વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. જયારે કોંગ્રેસી ધારાસભ્યોએ સદનની કાર્યવાહી સ્થગિત કરાયા બાદ ભારે નારેબાજી કરી. જેના જવાબમાં ભાજપના ધારાસભ્ય પણ નારેબાજી કરતા જોવા મળ્યા. વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરાયા બાદ ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે લોકતંત્રની હત્યા કરી.

અગાઉ વિધાનસભાની કાર્યવાહી શરૂ થયાના ઠીક પહેલા સીએમ કમલનાથે રાજયપાલ લાલજી ટંડનને પત્ર લખ્યો હતો અને ભાજપ પર કોંગ્રેસના કેટલાય ધારાસભ્યનો બંધક બનાવવાનો આરોપ લાગ્યો હતો. સીએમ કમલનાથે રાજયપાલને પત્ર લખી કહ્યું હતું કે ફલોર ટેસ્ટનું જસ્ટિફિકેશન એ સ્થિતિમાં જ છે જયારે તમામ ધારાસભ્ય દબાણમુકત થાય અને પ્રતિબંધોથી મુકત થાય. આવું ના થવા પર ફલોર ટેસ્ટ અલોકતાંત્રિક અને અસંવૈધાનિક હશે.

સોમવારે તમામની નજર વિધાનસભાની કાર્યવાહી પર હતી. જેની શરૂઆત રાજયપાલના અભિભાષણથી થઈ. પોતાના અભિભાષણ દરમિયાન કહ્યું કે એમપીમાં સંવૈધાનિક મૂલ્યોની રક્ષા થાય. રાજયની સ્થિતિને જોતા તમામ પોતાનું દાયિત્વ નિભાવે અને મધ્ય પ્રદેશના ગૌરવની રક્ષા થાય. ૨૨ ધારાસભ્યોના રાજીનામા બાદ પ્રદેશની કમલનાથ સરકાર સંકટમાં ઘેરાઈ ગઈ છે. રાજયપાલે સીએમ કમલનાથને નિર્દેશ આપ્યો હતો કે આજે બહુમત પરીક્ષણ કરાવે પરંતુ હવે સદનની કાર્યવાહી ૨૬ માર્ચ સુધી સ્થગિત કરાયા બાદ આ મામલે રાજકારણ ગરમાવો પકડી શકે છે.

(3:54 pm IST)