Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

હવે નાની બચત પરના વ્યાજદરો ઘટશે

એપ્રિલ-જુનના ત્રિ-માસિક ગાળા માટે ઘટશે દરો

નવી દિલ્હી, તા. ૧૬ : નાણા મંત્રાલય એપ્રિલ-જુન ત્રિમાસિક માટે નાની બચત યોજનાના વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. આ ઘટાડાનો ઉદ્દેશ ક્રેડીટનો ખર્ચ ઘટાડવોનો છે જેથી અર્થવ્યવસ્થાને વધારે રોકડ ઉપલબ્ધ કરાવી શકાય. કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલી મંદી અને ઘરેલુ અર્થ સંકટના કારણે નાણાકીય વ્યવસ્થાને બહુ ખરાબ અસર થઇ છે.

નાણા મંત્રાલયે આ પહેલા-ર૦૧૯ના જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૧ર લઘુ બચત યોજનાઓમાંથી એકને છોડીને બાકી બધી યોજનાઓના વ્યાજ દરોમાં કાપ મૂકયો હતો. ઓકટોબર-ડીસેમ્બર ર૦૧૯ અને જાન્યુઆરી-માર્ચ ર૦ર૦ના ત્રિમાસિક વ્યાજના દરોને યથાવત રખાયા હતાં.

કેન્દ્રને આશા છે કે રીઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમિતિ પણ નીતિગત દરોમાં કાપ મૂકશે જેનાથીનાણાકીય ખર્ચમાં વધુ ઘટાડો લાવવામાં મદદ મળશે. એક સીનીયર અધિકારીએ કહ્યું કે અર્થવ્યવસ્થાને ગતિ આપવા અને દરોમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા માટે સરકાર લોન પ્રક્રિયામાં સુધારા માટે કેટલાક પગલાઓ લઇ શકે છે. અધિકારીએ એ વાતની પુષ્ટિ કરી કે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવા વિચાર થઇ રહ્યો છે.

અધિકારીઓએ સ્વીકાર કર્યો કે યસ બેંક પ્રકરણથી લોકોનો વિશ્વાસ નાણાકીય ક્ષેત્ર પરથી ડગી ગયો છે અને નાણાકીય ખર્ચ ઘટાડવો એ આ વિશ્વાસને ફરીથી ઉભો કરવાનો એક ઉપાય છે. તેમણે કહ્યું કે નાની બચત યોજનાઓમાં વ્યાજ દરો ઘટાડવાથી બેંકો પણ વ્યાજ ઘટાડવા પ્રોત્સાહિત થશે.

ઘણા દેશોની બેંકોએ કોરોના વાયરસના આર્થિક પ્રભાવ સામે નિપટવા વ્યાજ દરોમાં કાપની જાહેરાત કરી છે. જેમાં અમેરિકન ફેડરલ બેંક અને બેંક ઓફ ઇંગ્લેન્ડ પણ સામેલ છે. એવી આશંકાઓ દર્શાવાઇ રહી છે કે કોરોના વાયરસના કારણ ઘણા દેશોમાં મંદી આવી શકે છે. આરબીઆઇની મૌદ્રિક નીતિ સમિતિની આગામી બેઠક ૩૧ માર્ચ, ૧ અને ૩ એપ્રિલે થવાની છે. એપ્રિલ-જુન ત્રિમાસિક માટે નાની બચતના વ્યાજ દરોની અધિસૂચના ૩૧ માર્ચે જાહેર થવાની શકયતા છે. (૮.૪)

ડેબિટ-ક્રેડિટ કાર્ડને લગતા નવા નિયમોનો આજથી અમલ

મુંબઈ, તા. ૧૬ :. રિઝર્વ બેન્ક આજે ૧૬ માર્ચથી ડેબિટ-ક્રેડિટ કાર્ડને લગતા નવા નિયમોનો અમલ કરવા જઈ રહી છે. જેમની પાસે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ હોય તેમણે આ નિયમો જાણી લેવા જરૂરી છે કેમ કે આ નિયમો તમામ ડેબિટ-ક્રેડિટ કાર્ડને લાગુ પડશે અને તેમા રિ-ઈશ્યુ કાર્ડનો પણ સમાવેશ થાય છે. હાલના નિયમ અનુસાર કોઈ પણ ડેબિટ-ક્રેડિટ કાર્ડનો એટીએમ, પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ, ઓનલાઈન ટ્રાન્ઝેકશન તેમ જ કોન્ટેકટલેસ અને ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેકશન માટે ઉપયોગ થઈ શકે છે. નવા નિયમ અનુસાર હવે ડેબિટ-ક્રેડિટ કાર્ડમાં ફકત એટીએમ અને પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ પર ઉપયોગ કરવાની સુવિધા મળશે. તમારે ઓનલાઈન, કોન્ટેકટલેસ કે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેકશનની સેવા જોઈતી હોય તો તમારા કાર્ડ પર એ સેવા ચાલુ કરાવવી પડશે.

(12:08 pm IST)