Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

જયપુરનાં ડોકટરોની કમાલ : HIVની દવાથી ૩ વડિલોને કોરોના વાયરસથી મુકત કર્યા

સર્તકતા અને સમજદારીથી વાયરસને ઘુંટણીયે લાવી શકાય છે : ડોકટરોએ સાબિત કર્યું

જયપુર તા. ૧૬ : દેશમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા ૧૦૦ને પાર પહોંચી ગઈ છે. ઘણા રાજયોએ તેને મહામારી અને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય આપદા જાહેર કરી છે. તેવામાં રાજસ્થાનથી રાહતના સમાચાર આવ્યા છે. પ્રદેશમાં કોરોનાથી પીડિત ત્રણ દર્દી સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ ગયા છે. તેનો તપાસનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. એચઆઇવીની દવાથી દર્દી સાજા થયા છે. ત્રણેય દર્દીની ઉંમર ૭૦ વર્ષથી ઉપર છે.

સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી રોહિત કુમાર સિંહે રવિવારે પત્રકારો સાથે વાત કરતા આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, પોઝિટિવ આવેલા ૬૯ વર્ષીય ઇટાલીના નાગરિક અને ૮૫ વર્ષના જયપુરના નિવાસી વ્યકિતનો તપાસ રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. જયપુર નિવાસી વ્યકિત પણ દુબઈથી પરત ફર્યો હતો. સિંહે કહ્યું કે, ઇટાલીની ૭૦ વર્ષીય મહિલાને લઈને અત્યાર સુધી કોરોના પોઝિટિવના ત્રણ દર્દી સ્વસ્થ થઈ ગયા છે. રાજસ્થાને સાબિત કર્યું છે કે સર્તકતા અને સમજદારીથી વાયરસને નાથી શકાય છે.

તેમણે જણાવ્યું કે, ત્રણેય દર્દીની સારવાર એસએમએસ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ કહ્યું કે, જયપુરમાં અત્યાર સુધી કુલ ૪૦૨ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાંથી ૩૯૩દ્ગટ રિપોર્ટ નેગેટિવ અને ચારનો પોઝિટિવ આવ્યો હતો. પાંચનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. તેમણે જણાવ્યું કે, જોધપુરના તમામ ૧૦ અને ઝાલાવાડના ત્રણ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

સિંહે જણાવ્યું કે, ઉદયપુરના બે લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. પ્રદેશમાં અત્યાર સુધી કુલ ૪૧૭ લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. સાતનો રિપોર્ટ આવવાનો બાકી છે. સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ લોકોને ભયભીત ન થવાની અપીલ કરી અને કહ્યું કે, રાજસ્થાન સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા માટે દરેક સંભવ ઉપાય કરી રહી છે.

(11:59 am IST)