Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના ઇફેકટ

૧૫૦થી વધુ સિરિયલ, ૪૦ જેટલી ફિલ્મો અને ૨૫ વેબ સિરીઝના શુટિંગ બંધ થશે

આવતા સપ્તાહથી જુના એપિસોડ જોવા પડશે

મુંબઇ તા. ૧૬ : કોરોના વાઇરસને કારણે શૂટિંગ બંધ કરવામાં આવે એવી ભીતિ ઓલરેડી શુક્રવારે વ્યકત કરી હતી જે ફાઇનલી ગઈ કાલે સાચી પડી છે. ગઈ કાલે મુંબઈનાં ૬ અસોસિએશનની મીટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડના તમામ પ્રકારનાં શૂટિંગ કરવાનો બુધવારે છેલ્લો દિવસ રહેશે અને ગુરૂવારથી ૩૧ માર્ચ સુધી શૂટિંગ બંધ રાખવામાં આવશે. જો એ દરમ્યાન કોરોના કન્ટ્રોલમાં આવ્યાનો અણસાર મળશે કે કેન્દ્ર અને રાજય સરકાર તરફથી નવી સૂચના જાહેર કરવામાં આવશે તો જ એ મુજબ નિર્ણયમાં ફેરબદલ કરવામાં આવશે. છેલ્લા દસકામાં પહેલી વાર એવું બન્યું છે કે ટીવી-સિરિયલનું શૂટિંગ અટકયું હોય. અગાઉ ૨૦૦૮માં યુનિટના વર્કર્સ સ્ટ્રાઇક પર જતાં ટીવી-સિરિયલનું શૂટિંગ અટકી ગયું હતું અને ચેનલોએ જૂના એપિસોડનું ટેલિકાસ્ટ કરવું પડ્યું હતું.

ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (આઇએફટીપીસી)ના ચેરમેન (ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ) જે. ડી. મજેઠિયાએ કહ્યું હતું કે 'અત્યારના તબક્કે બહુ જરૂરી છે આ નિર્ણય. કોઈના જીવનો સવાલ હોય ત્યારે જોખમ ન લઈ શકાય. સિરિયલના યુનિટમાં ૧૦૦ લોકોનો સ્ટાફ હોય છે, કોઈએ જોખમ ન લેવું જોઈએ એવું સંયુકતપણે નક્કી કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.'

તાત્કાલિક શૂટિંગ બંધ કરવાનો નિર્ણય લેવાને બદલે ૭૨ કલાકનો ગેપ રાખવા પાછળનું કારણ સમજાવતાં ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ટિરેકટરર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ અશોક પંડિતે કહ્યું હતું કે 'જેનું પેચવર્ક જેવું પરચૂરણ કામ બાકી હોય એ કરી શકે અને તેણે મોટી નુકસાની સહન ન કરવી પડે એવા હેતુથી આ સમય આપ્યો છે. અત્યારે વિચાર મોટી માત્રાની સંખ્યાની કરવાની છે. કોઈ દલીલ વિના કે તર્ક વિના સૌકોઈએ સાથ આપવો જોઈએ એવું લાગતાં ગુરુવારથી શૂટિંગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.'

તમામ અસોસિએશને જે-તે પ્રોડકશન-હાઉસ અને ટીવી-ચેનલો સાથે વાત કર્યા પછી જ આ નિર્ણય લીધો છે. સ્વાભાવિક રીતે એણે પણ તૈયારી દર્શાવી છે. ફિલ્મ પ્રોડકશન-હાઉસ આ દિવસોમાં ફિલ્મ રિલીઝ કરી શકે એમ નથી, જયારે ટીવી-ચેનલો પાસે બીજો કોઈ છૂટકો ન હોવાથી તેમણે હામી ભરવી પડી છે.

બુધવાર સુધી શૂટિંગની પરમિશન હોવાથી એવી ધારણા રાખવામાં આવી છે કે શુક્ર-શનિ અને વધી-વધીને રવિવાર સુધી ટીવી-સિરિયલમાં નવા એપિસોડ જોવા મળે. જો કોઈ ચમત્કાર ન થાય અને શૂટિંગ બંધ જ રહે તો રવિવાર પછી ૯૦ ટકા સિરિયલમાં જૂના એપિસોડનું રીટેલિકાસ્ટ શરૂ થઈ જશે.

(11:59 am IST)