Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ભારતમાં કોરોનાના ૧૧૬ કેસ : મહારાષ્ટ્રમાં ૩૭ કેસ નોંધાયા

૭૦૦ સમુદ્રી જહાજોને પ્રવેશ મળ્યો નહિ : દોઢ ડઝન રાજ્યોમાં શાળા - કોલેજો - મોલ બંધ : મહારાષ્ટ્રમાં પાંચ નવા કેસ : દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો : મોદીએ ઠાકરની સાથે કરી વાતચીત : પૂણેમાં ૧૬ સામે આવ્યા

નવી દિલ્હી તા. ૧૬ : ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ૨૬ નવા કેસોની પુષ્ટિ કરી છે ત્યારબાદ સંક્રમિત દર્દીઓનો આંકડો ૧૧૬ પર પહોંચી ગયો છે. તેમાં સૌથી વધુ ૩૭ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. આ બધાની વચ્ચે સરકાર કોરોનાનો પ્રસાર રોકવાના દરેક સંભવ પ્રયત્નો કરી રહી છે તેના હેઠળ પ્રભાવિત દેશોની યાત્રા કરતા ૭૦૦થી વધુ જહાજોને ૨૫ હજારથી વધુ યાત્રિકો તેમજ ચાલક દળના સભ્યોને તેના મુખ્ય બંદરો પર ઉતરવા ન દેવામાં આવ્યા નથી.

ભારતમાં અત્યાર સુધીમાં વિદેશોમાંથી ફસાયેલા હજારો ભારતીયોને પાછા લઇ આવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ચીનમાંથી ૭૬૬, જાપાનમાંથી ૧૨૪ ઇરાનમાંથી ૩૩૬ અને ઇટાલીથી ૨૧૮ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.

જમ્મુ - કાશ્મીર સરકારે જમ્મુ જિલ્લામાં ૩૧ માર્ચ સુધી કોઇ પ્રકારના સંમેલન રેલી, ધરણા પર રોક લગાવી દિધી છે. આ ઉપરાંત કોઇ પણ પ્રકારના ધાર્મિક અથવા સામાજીક સમારોહ પર પણ પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યો છે.

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૧૧૪ જિલ્લાના કુલ ૧૧૨ કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી કેટલીક સાવધાની રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત એક ડર્ઝનથી વધારે રાજયોએ પોતાના સિનેમા હોલ, સ્કૂલ કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને પહોંચી વળવા માટે સાર્ક દેશો સાથે એક સાથે આવ્યા અને સાથે મળીને એકશન પ્લાન બનાવ્યો. દુનિયામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ૬ હજાર સોકોના મોત થઈ ચૂકયા છે. જયારે ભારતમાં ૩ લોકોના મોત નિપજયા છે.

કર્ણાટકના કલબુર્ગીમાં સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી એ લોકોની ઓળખ કરી રહ્યા છે જે કોરોના વાયરસના દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી લોકોને અપીલ કરી રહ્યું છે કે તેઓ પોતે સામે આવે અને તપાસ કરાવે. જયારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે આજે બપોરે કોરોના વાયરસ પર રિવ્યૂ મીટિંગ કરશે. આ દરમિયાન તમામ જિલ્લાના કલેકટરો સાથે સર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આ આંકડો સૌથી વધુ છે. અહી ૩૭ લોકો કોરોના ગ્રસ્ત છે.

વિશ્વના ૧૫૭ દેશોમાં કોરોના વાયરસ પહોચ્યો છે ત્યારે અત્યાર સુધીમાં કુલ ૬૫૧૫ લોકોના મોત થયા છે. ગઈકાલે ઈટાલી દેશમાં ૩૬૮ લોકોના મોત થયા હતા. કોરોનાથી ઈરાન દેશમાં વધુ ૧૧૩ લોકોના મોત નીપજયા છે. તો સ્પેનમાં વધુ ૯૬ લોકોના મોત, ફ્રાંસમાં ૩૬, અમેરિકામાં ૧૧, ઈંગ્લેડમાં ૧૪ લોકોના મોત થયા છે. નેધરલેન્ડમાં ૮, જાપાનમાં ૨, ઓસ્ટ્રેલિયામાં ૨ લોકોના મોત તો ફિલિપીન્સમાં ૪, હંગેરીમાં ૧, ચીનમાં ૧૪ લોકોના મોત, યુરોપમાં હાલ સુધીમાં ૨૦૦૦ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના કુલ ૧૧૨ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોરોના વાયરસના વધુ ૧૨ કેસ સામે આવ્યા હતા.

(4:04 pm IST)