Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

મોદીના સુધારા ઉપર બ્યુરોક્રેસીને કારણે રોક

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાના પુસ્તકમાં ધડાકોઃ રાજકીય કાર્યકારિણીના પ્રયત્નોને અમલદારશાહી ઠપ કરી દે છેઃ નીતિ આયોગના પૂર્વ ઉપાઅધ્યક્ષે ભારતીય કંપનીઓ પર પણ નિશાન સાધ્યું: આર્થિક સંકટને સબસીડી અને આયાતથી બચવાને તક તરીકે જોતી હોય છે

નવી દિલ્હી તા. ૧૬ : નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ જણાવ્યું છે કે મોદી સરકારના સુધારા પર અમલદારશાહી (બ્યૂરોક્રેસી)ના કારણે રોક લાગી ગઇ છે. પનગઢિયાએ કહ્યું કે સરકાર જાહેર ક્ષેત્રને મોટી સંખ્યામાં ખાનગીકરણ કરવા પ્રયત્નશીલ છે.

નીતિ આયોગના પૂર્વ અધ્યક્ષે જણાવ્યું કે, તૈયાર કરવામાં આવેલી કંપનીઓની યાદીને કેબિનેટની મંજૂરી મળવા છતા રોક લાગેલી છે. તે સિવાય પનગઢિયાએ કહ્યું કે લેબર લો રિફોર્મ આ વાતનું ઉદાહરણ છે કે કેમ રાજકીય કાર્યકારિણીના પ્રયત્નોને અમલદારશાહી ઠપ કરી દે છે.

અરવિંદ પનગઢિયાએ પોતાના પુસ્તક ‘India Unlimited, Reclaiming the Lost Glory’ માં આ અંગે વિસ્તારથી લખ્યું છે. નીતિ આયોગના પહેલા ઉપાધ્યક્ષ પનગઢિયાએ કહ્યું કે સમાજવાદી વિચારધાર એક આદર્શ દુનિયાને વિચાર આપે છે અને યુવા તેમની તરફ આકર્ષિત થવા લાગે છે. પરંતુ આ આકર્ષણ માર્કેટ વિરોધી વિચારોને થોપી દે છે. યુવાઓને આ વિચાર તેમની કોલેજોમાંથી તેમના શિક્ષકો દ્વારા મળતા હોય છે.

નીતિ આયોગના પૂર્વ ઉપાઅધ્યક્ષે ભારતીય કંપનીઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભારતમાં પણ કંપનીઓના માલિકોએ માર્કેટને અનુકૂળ સુધારાને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ઘણા દેશોમાં આર્થિક સંકટ વચ્ચે કંપનીઓ તેને તક માનતી હોય છે અને તેના નિયમો દૂર કરવા માટે વકિલાત કરતી હોય છે જે તેમની પ્રગતિમાં અવરોધ હોય છે, પરંતુ ભારતમાં કંપનીઓ આર્થિક સંકટને સબસીડી અને આયાતથી બચવાને તક તરીકે જોતી હોય છે.

(10:49 am IST)